આંગણામાં રમતી બાળકીને દીપડો ઢસડી જતાં મોત થયું
બારડોલી: માંડવી તાલુકામાં એક વાર ફરી દીપડાનો આતંક સામે આવ્યો છે સાંજના સમયે આંગણમાં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીનો મૃતદેહ થોડે દુર ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગએ દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની કામગીર હાથ ધરી છે. જોકે, લાંબા સમયથી દીપડાઓના ખસીકરણની માંગ વધી રહી છે ત્યારે વન્ય જીવનમાં અને વન્યસૃષ્ટીમાં કઈ પણ પ્રદાન ન આપનારા આ જાનવરના હુમલાઓ સામે વનવિભાગ જાણે મૂકપ્રેક્ષક બની ગયો હોય
તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જીલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળા ના ભાગે થી પકડીને ખેતરમાં લઇ ગયો હતો. જોકે નાના ભાઈએ બુમાબુમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવીને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુક્યું હતું. ઘટનાની જાણઆ વિસ્તારના ધારાસભ્ય આનદ ચૌધરીને થતા આનંદ ચોધરી ઘટના સ્થળે પહોચ્યા હતા અને સમગ્ર ઘટના ને વખોડી કાઢી હતી ,
સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગ ને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા ધારાસભ્ય આનંદ ચૌધરી પણ ધસી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા જો દીપડા ને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્ય એ ઉચ્ચારી હતી.
ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે બાળકીનો કબજો લઇ બાળકીનાં મૃતદેહને પીએમ માટે બોધાન પીએચસી પર ખસેડ્યો હતો તેમજ દીપડાને પકડી પાડવામાં તાબડતોડ નજીકના ખેતરાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બાળકીના પરિવારજનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેંધરી આપવામાં આવી હતી.