Western Times News

Gujarati News

આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ : ઇશ્વરભાઇ પરમાર

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું.

વિધાનસભા ખાતે દાહોદ જિલ્લામાં ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી પરમારે કહ્યું કે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અમલી ૨૦ જેટલી યોજનાઓ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન કરાઇ છે. અનુસૂચિત જાતિ-જનજાતિ યુવાઓ આંતરજ્ઞાતિય લગ્નો કરે તો ૧૯૭૨માં
રૂ. ૫૦૦/-ની  સહાય અપાતી હતી. તે ઉત્તરોત્તર વધારીને આજે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે.

જેમાં પતિ-પત્નીને સંયુકત રીતે નાની બચતના રૂ.૫૦ હજારનાં પ્રમાણપત્રો તથા રૂ.૫૦ હજારની સહાય ઘરવખરીનાં સાધનો વસાવવા માટે અપાય છે.

તેમણે ઉમેર્યું કે, આ યોજનાનો લાભ લેવા માટે લગ્ન કરનાર યુગલમાં એક એક અનુસૂચિત જાતિ-જનજાતિના હોવા જોઇએ. ગુજરાતના મૂળ વતની હોવા જોઇએ. લગ્ન બાદ બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરપ્રાંતિય યુવાન લગ્ન કરે તો પાંચ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઇએ.

હિન્દુ ધર્મ પાળતો હોવાનું પ્રમાણપત્ર, વસવાટ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે તથા ૩૫ વર્ષના વિધુર કે વિધવા કે જેને પુત્ર-પુત્રી ન હોય અને પુન:લગ્ન કરે તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે. જેમાં આવકની કોઇ મર્યાદા લાગુ પડતી નથી. આ માટે યુગલે જાતિનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, યુગલનો સંયુકત ફોટો, બેન્કની પાસબુક, આધારકાર્ડ રજૂ કરવાનું હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.