આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થશેઃ ચર્ચા શરૂ
નવીદિલ્હી, ભારત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે અમેરિકા,કેનેડાની સાથોસાથ યૂરોપ અને ગલ્ફ દેશોની સાથે વાતચીતની પ્રક્રિયામાં છે. આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરી શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન અરવિંદ સિંહે આ જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૩ જૂને કહ્યું હતું કે ભારત અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સની સાથે દ્વિપક્ષીય વ્યવસ્થા કરવાના પ્રયાસમાં છે.
આવી વ્યવસ્થાને વ્યક્તિગત દ્વિપક્ષીય બબલ કહેવામાં આવે છે, જેમાં બે દેશની એરલાઇન્સ એક-બીજાને ત્યાં આવતી-જતી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. અરવિંદ સિંહે જણાવ્યું કે ગુરુવારે ઉડ્ડયન મંત્રાલયમાં એક અગત્યની વ્યક્તિ સાથે વાત થઈ, જે આ દેશો સાથે વાતચીત કરી રહી છે. તેઓએ જણાવ્યું કે અમે સતત સંપર્કમાં છીએ. અમારો પ્રયાસ એ વાત પર સહમતિ કાયમ કરવાનો છે કે જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો માર્ગ મોકળો થાય.
એક વેબિનારમાં અરવિંદ સિંહે જણાવ્યું કે વાતચીત મુખ્ય રીતે ભારત અને અમેરિકા, કેનેડા, ભારત અને યૂરોપ તથા ભારત તથા ખાડી દેશોની વચ્ચે થઈ રહી છે. આશા છે કે આ વાતચીતનો સકારાત્મક ઉકેલ આવે. ઉલ્લખેનીય છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કોરોના મહામારીના કારણે ૨૩ માર્ચથી બંધ છે. યૂરોપિયન યૂનિયને કોરોનાના વધતા કેસોને જોતાં હાલમાં ભારતની ફ્લાઇટ્સને પ્રતિબંધિત કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે સરકાર મધ્ય જુલાઈથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. આ દરમિયાન પુરી એવું પણ કહ્યું હતું કે સરકાર સ્થાનિક ઉડાનોને કોરોના પૂર્વના ૫૦-૫૦ ટકાના સ્તરે લાવવા માંગે છે.