આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે તા. ૮ મી માર્ચે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી
રાજપીપલા :- નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે તા. ૮ મી માર્ચે, ૨૦૨૦ ને રવિવારના રોજ રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી, વ્યાયામ સંકુલ ખાતે જિલ્લાકક્ષાના યોજાનારા મહિલા સંમેલનના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સોપાયેલી જે તે ફરજો અને જવાબદારીઓ સુપેરે અદા થાય તે જોવા શ્રી કોઠારીએ ખાસ અનુરોધ કર્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી, પ્રાંત અધિકારીશ્રી ડૉ. જનમ ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.જે.તાવિયાડ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે,
તા. ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે યોજાનારા મહિલા સંમેલનમાં કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી પુરી પડાશે. માતા યોશોદા એવોર્ડ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રોનું વિતરણ, પોષણ પખવાડિયાનો પ્રારંભ, મહિલા સુરક્ષાને લગતી કાયદાકીય જોગવાઇઓ બાબતે જન જાગૃત્તિ કેળવવામાં આવશે, જેમાં આશાબહેનો, સખી મંડળની બહેનો, મહિલા ખેડૂતો, મહિલા પશુપાલકો, આંગણવાડી બહેનો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ ભાગ લેશે આ પ્રસંગે જિલ્લાકક્ષાએ રમત-ગમત, સ્વ-સુરક્ષા કે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન પણ કરાશે.
આ પ્રસંગે યોજાનારા પ્રદર્શમાં પોષણ અંગેની માહિતી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, વ્હાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, મિશન મંગલમ, મહિલા આરોગ્યલક્ષી યોજનાઓ, આદિજાતિ મહિલા કલ્યાણ યોજનાઓ અને મહિલા સ્વ-રોજગારલક્ષી યોજનાઓની જાણકારી અંગેના સ્ટોલ્સમાં જરૂરી વિગતોની જાણકારી અપાશે અને તે અંગેના સાહિત્યનું વિતરણ પણ કરાશે.