આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પરનો પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી લંબાવાયો
નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે હજુ લંબાવી દીધો છે. ભારત આવતી અને જતી કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પરન પ્રતિબંધને ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ એ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગુ નહિ થાય જેમને ખાસ કરીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય તરફથી મંજૂરી મળી હશે તેમ એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એટલે કે ડીજીસીએ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય ઉડાનોને સક્ષમ પ્રાધિકારી દ્વારા નક્કી માર્ગો પર કેસ-ટુ-કેસના આધારે મંજૂરી આપવામાં આવી શકે છે.
ડીજીસીએ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઑલ કાર્ગો ઑપરેશન અને વિશેષ અનુમતિવાળી ઉડાનો પર લાગુ નહિ થાય. તમને જણાવી દઈએ કે કોરોના સંકટ કાળ દરમિયાન પણ વંદે ભારત મિશન હેઠળ સરકારે ઘણા દેશોમાંથી ભારતીયોને પાછા લાવવા માટે આયોજન કર્યુ હતુ. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો વધવાના કારણે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લંબાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં ઘણા દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ અમુક દેશો સાથે પેસેન્જર ઉડાનોને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણ અને લૉકડાઉનના કારણે ગયા વર્ષે ૨૫ માર્ચે પેસેન્જર ફ્લાઈટોને બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં ડોમેસ્ટીક ઉડાનો તો શરૂ થઈ પરંતુ આંતરરાષ્ટ્રીય ઉડાનો પરનો પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે