આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ ત્રિમંદિર, અડાલજના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાશે :
ગાંધીનગર, માનવતા માટે યોગ – આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં યુવાનો અને બાળકો ઉપરાંત વડીલો, મહિલાઓ અને વિકલાંગોને પણ યોગ પ્રતિ વિશેષ જાગૃત કરવાના પ્રયત્નો કરાશે. ગાંધીનગર જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્યએ જિલ્લામાં યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
તેમણે આજે ગાંધીનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને યોગને જીવનનો કાયમી ભાગ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વધુ ને વધુ લોકો સ્વસ્થ જીવન માટે યોગને કાયમ માટે અપનાવે એ જ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે; તા. 21 મી જૂને સવારે પ.૪૫ કલાકે ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી ત્રિમંદિર, અડાલજના કન્વેન્શન સેન્ટર ખાતે થશે. અંદાજે ૪૦૦૦ જેટલા નાગરિકો સમૂહમાં યોગ કરશે. ગાંધીનગર જિલ્લાના ત્રણેય તાલુકામાં યોગ દિવસે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.
ગાંધીનગર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે યોજાશે. કલોલ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જૈનવાડી, પાનસર ખાતે યોજાશે, દહેગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગલુદણ પટેલ સમાજવાડી ખાતે યોજાશે અને માણસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામભારતી, અમરાપુર ખાતે યોજાશે.
વધુ ને વધુ લોકો યોગ સાથે જોડાય તેવા ઉદ્દેશ સાથે નગરપાલિકા કક્ષાએ પણ અલગથી કાર્યક્રમો યોજાશે. કલોલ નગરપાલિકાની યોગ દિવસની ઉજવણી સરદાર બાગમાં થશે. માણસા નગરપાલિકાની ઉજવણી એસ. ડી. આર્ટ્સ એન્ડ બી. આર. કોમર્સ, માણસા ખાતે થશે.
જ્યારે દહેગામ નગરપાલિકાની ઉજવણી ઔડા ગાર્ડન, ઋષિલ મોલ પાસે, દહેગામ ખાતે થશે. ગાંધીનગર જિલ્લા કલેકટર ડૉ. કુલદીપ આર્યએ આજે સમગ્ર જિલ્લામાં ઉજવાનારા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.