આંતરરાષ્ટ્રીય રોડ શોમાં ૧૭ MoU પર હસ્તાક્ષર
અમદાવાદ: ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેમજ દેશ-વિદેશમાંથી વિધાર્થીઓને આમંત્રિત કરવા માટે તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ પદે પૂર્વમધ્ય દેશોમાં “સ્ટડી ઇન ગુજરાત” પ્રથમ અભિયાન અંતર્ગત રોડ શોનું આયોજન થયું હતું. આ રોડશોને કુવૈત અને દુબઈ ખાતે અપ્રતિમ સફળતા મળી છે. શિક્ષણમંત્રી ચુડાસમા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે કુવૈત અને દુબઈમાં યોજાયેલ રોડ શો દરમિયાન ત્યાં વસતા ભારતીયોએ ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટેના રાજ્ય સરકારના આ પ્રયાસોને બિરદાવીને સંપૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી છે.
દુબઈ ખાતે આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિધાર્થી સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉચ્ચ તેમજ ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે કુવૈત અને દુબઈની મુલાકાત લીધી હતી. આ બંને દેશોમાં યોજાયેલા એક્ઝિબિશન અને રોડ શા દરમિયાન ૧૫૦૦ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, આચાર્યો, શિક્ષણક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો, એમ્બેસેડર્સ અને કોન્સ્યુલ જનરલ ઉપસ્થિત રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય રોડ શા દરમિયાન ૧૭ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં કુવૈતમાં ૬ અને દુબઈમાં ૧૧ એમઓયુ થયાં હતાં.
કુવૈતમાં ડિઝાઇન અને ઇનોવેશન ક્ષેત્રે સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ યુનિવર્સિટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે ડિઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રે બોક્સ હિલ કોલેજે ગુજરાત ટેક્નીકલ યુનિવર્સિટી, સીઈપીટી, જીએનએલયુ, પીડીપીયુ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે અલગ-અલગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, શિક્ષણ મંત્રીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે બંને દેશોમાં ભારતીય ડાયસ્પોરાની પણ મુલાકાત કરી હતી, મોટી સંખ્યામાં ભારતીય ડાયસપોરાના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ગુજરાત સરકારની આ પહેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. યુવાનોને તેમના ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશથી ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર આ પ્રકારના નાવીન્યસભર અભિયાન ચલાવી રહી છે તે બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. શિક્ષણ આધારિત અર્થતંત્રના આ યુગમાં તમામ સભ્યોએ રાજ્ય સરકારના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેઓ જ્યાં પણ જશે ત્યાં ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપવા તત્પરતા દર્શાવી છે.