આંતર રાજય વાહનચોર ટોળકીના ૩ સાગરીતો ઝડપાયા: ૧૪ ગુનાની કબુલાત
૧૦૦ કાર ચોરવાનો ટાર્ગેટ હતો, ક્રાઈમબ્રાંચે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંચની ટીમને બે શખ્શો ચોરીના વાહન સાથે જતાં હોવાની બાતમી મળી હતી જે આધારે બંનેને ઝડપી લઈ કડક પુછપરછ કરતાં આંતર રાજય વાહનો ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે અને ૧૪થી વધુ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે.
ક્રાઈમબ્રાંચના પીઆઈ એચ.એમ વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીને આધારે એસપી રીંગ રોડ નજીક રોપડા ચાર રસ્તાથી ટવેરા કાર સાથે મુળ યુપીના બે શખ્શો જાવેદ ઉર્ફે બબલુ મુખ્તારખાન કુરેશી અને સુરેન્દ્ર અવધેશ યાદવ (બંને રહે. ગોપીનગર, વટવા)ને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ટવેરા કાર તેમણે વડોદરાના ફતેગંજથી ચોરી કર્યાનું કહયું હતું વધુ તપાસમાં તેમણે અમદાવાદથી ૩, વડોદરાથી પ તથા ભરૂચથી પ સહીત કુલ ૧૧ વાહન ચોરીની કબુલાત કરી હતી.
બાદમાં આ ગુનાની સઘન તપાસ કરતાં વાહન ચોરીનો મુખ્ય સુત્રધાર કલકતાના કોલેજ પલ્લી ખાતે રહેતો મનોજ ઉર્ફે મહેતાજી રામપ્રસાદ જાેશી હોવાનું સામે આવ્યું હતું જેથી ક્રાઈમબ્રાંચ તેને પણ કલકત્તાથી પકડી લાવી હતી.
પોલીસ હાલમાં ચોરીના વાહનો ડિટેકટ કરવાની તથા આ ગેંગમાં સંડોવાયેલા ગુજરાત, રાજસ્થાન તથા કોલકત્તાના અન્ય આરોપીઓને ઝડપી લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.
મનોજ કલકત્તાથી કાર ચોરવાના ઓર્ડર આપતો
મુખ્ય સુત્રધાર મનોજ કોલકત્તામાં કારના જે ઓર્ડર મળે તે મુજબ કઈ ગાડીઓ ચોરવાની છે તેની જાણ જાવેદને કરતો હતો જે મુજબ જાવેદ દિવસે ગાડીઓને ટાર્ગેટ કરી રાત્રે ચોરીને અંજામ આપતો.
સમગ્ર નેટવર્ક સીસ્ટેમેટીક ચાલતું
મનોજના ઓર્ડર અનુસાર કાર ચોર્યા બાદ જાવેદ તેને જાણ કરતો બાદમાં રાજસ્થાનથી મનોજના માણસો મહેસાણા હાઈવે, કડી હાઈવે, ગોધરા તથા વડોદરા ખાતે વાહનો લેવા આવતા અને જુની કાર હોય તો ૩૦ થી ૩પ હજાર રૂપિયા અને નવી હોય તો પ૦ હજાર રૂપિયા રોકડમાં આપી વાહન લઈ જતા.
૧૦૦ કાર ચોરીનો ટાર્ગેટ અને એ મુજબ રણનીતી
કોરોનાની મહામારીમાં ગુજરાતથી વતન યુપી ગયેલો જાવેદ કોરોના બાદ સાગરીત સાથે ફરી ગુજરાત આવ્યો હતો અને રાજયમાંથી ૧૦૦ કાર ચોરીનો ટાર્ગેટ રાખ્યો હતો. એ માટે મુંબઈથી પ્લેન ચાવીઓ તથા ચાવી બનાવવાનો સામાન લઈ આવ્યા હતા. કાર ટાર્ગેટ કરીને સ્થળ ઉપર જ પાંચ મિનિટમાં કારની ચાવી બનાવી તેની ચોરી કરતા પોલીસે ૪૧ પ્લેન ચાવીઓ, ૦ર કાનસ, ઉપરાંત અન્ય સામાન પણ જપ્ત કર્યો છે.
જાવેદ રીઢો ગુનેગાર
૩ વર્ષ પહેલાં તે આંતર રાજય કાર ચોરતી ગેંગમાં સામેલ થયો હતો જેમાં નવ માણસો હતા અને મહારાષ્ટ્રમાંથી ૧૭૦ જેટલી કારો ચોરી હતી જેમાં તે પકડાયો હતો.