આંધ્રના પિતા-પુત્ર ૨૫ વર્ષ જૂનું ઉધાર ચૂકવવા માટે સુરત આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Surat-1-1024x768.jpg)
સુરત, સુરતના કાપડ માર્કેટમાં ઉઠમણાંઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના વેપારી પિતા-પુત્ર ૨૫ વર્ષ જૂની ઉધારી ચૂકવવા સુરતના કાપડ માર્કેટમાં પ્રગટ થયા હતા અને આટલા વર્ષોની જુદા-જુદા વેપારીઓની ઉધારીની રકમ હાથ જાેડીને ચૂકવી હતી. રસપ્રદ વાત તો એ છે કે, સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ આટલી જૂની ઉઘરાણી ભૂલી પણ ગયા હતા અને એકાએક વિજયવાડાના વેપારી તેમને ચૂકવણી માટે પહોંચતા માર્કેટમાં તેમની વાહવાહ થઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના વિજયવાડા ટેક્સટાઈલ માર્કેટના વેપારી ચંદ્રશેખર સાવે વર્ષ ૧૯૯૭માં સુરતના કેટલાક વેપારીઓ પાસેથી ક્રેડિટ પર કાપડની ખરીદી કરી હતી.
જાે કે, એક વર્ષ બાદ તેમને નુકસાન થતાં દુકાન બંધ કરવી પડી હતી. સુરતના કાપડ માર્કેટના વેપારીઓ રકમ મેળવવા માટે પ્રયાસ કર્યો પરંતુ કોઈ રિસ્પોન્સ ના મળતા ધીમે-ધીમે તેઓ આ ઉઘરાણી ભૂલી પણ ગયા હતા. એક વેપારીના જણાવ્યા અનુસાર ૭૫ વર્ષીય ચંદ્રશેખર તેમના પુત્ર સાથે આવ્યા હતા. ખરેખર તેમને યાદ પણ નહોતું કે, કેટલા રૂપિયા લેવાના છે પરંતુ રાવે બધુ યાદ કરાવ્યું હતું.
સુરત કાપડના વેપારીના જણાવ્યા અનુસાર ધંધામાં ખોટ થયાના થોડા સમય બાદ આંધ્રપ્રદેશના રાવ ફરી કાપડના ધંધામાં પાછા ફર્યા હતા અને બનારસના પ્યોર સિલ્ક, બેંગ્લોર ટેક્સટાઈલ માર્કેટમાંથી ફરીથી ધંધો મેળવ્યો હતો. આ દરમિયાન ૩-૪ વર્ષ પહેલા પણ તેઓ સુરતના વેપારીઓને ચૂકવણી માટે આવવાના હતા પરંતુ કોઈ કારણોસર આવી શક્યા નહોતા. જાે કે, હવે લગભગ ૨૫ વર્ષ બાદ તેઓ સુરતના કાપડ માર્કેટ પહોચ્યા હતા અને વેપારીઓને હાથ જાેડીને ઉધારીની રકમ ચૂકવી હતી.
આ ઉપરાંત ઘટનાને લઈને વધુ એક રસપ્રદ વાત એ પણ જાણવા મળી છે કે, ચંદ્રશેખર રાવના પત્નીએ વારંવાર ઉધારીના રૂપિયા ચૂકવવા માટે પિતા-પુત્રને કહ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર તેઓ આવી શકતા નહોતા. પરંતુ આ વખતે વેપારી ચૂકવણી માટે નહીં જાય તો પત્નીએ ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી.SSS