આંધ્રપ્રદેશના પરિવહન મંત્રીના ઘરમાં આગચંપી અને તોડફોડ કરવામાં આવી
હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં નવા રચાયેલા જિલ્લા કોનાસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા રાખવાના પ્રસ્તાવના વિરોધમાં મંગળવારે જિલ્લા મુખ્યાલયમાં વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ રાજ્યના અમલાપુરમ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં પરિવહન મંત્રી પિનીપ વિશ્વરૂપુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. જાેકે, પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
લાઠીચાર્જ બાદ દેખાવકારોએ પથ્થરમારો કરતાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. શહેરમાં એક પોલીસ વાહન અને શૈક્ષણિક સંસ્થાની બસને પણ સળગાવી દેવામાં આવી હતી.
રાજ્યના ગૃહપ્રધાન તનેતી વનિતાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનામાં લગભગ ૨૦ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. અમે આ મામલાની તપાસ કરીશું અને દોષિતોને ન્યાય અપાવીશું.”
ઉલ્લેખનીય છે કે, ૪ એપ્રિલના રોજ પૂર્વ ગોદાવરી જિલ્લાથી અલગ કરીને કોનસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે, રાજ્ય સરકારે કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા રાખવાની પ્રાથમિક સૂચના જારી કરી હતી.
આ પછી કોનસીમા સાધના સમિતિએ નામ બદલવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો અને જિલ્લાનું નામ કોનસીમા રાખવાની માંગ કરી હતી. જિલ્લાના નામ બદલવાના વિરોધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ શુક્લાને મેમોરેન્ડમ આપવાનો પ્રયાસ કરતી વખતે સમિતિએ મંગળવારે પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પ્રદર્શનકારીઓ ગુસ્સે થયા અને આખરે શાંત અમલપુરમમાં આગચંપીનો બનાવ બન્યો.HS1