આંધ્રપ્રદેશમાં દર્દીના લોહીમાં લેડ અને નિકલ મળી આવ્યા
રહસ્યમય બીમારી ફેલાવાનું કારણ સામે આવ્યું
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના એલુરુમાં ફેલાયેલી રહસ્યમયી બીમારીએ સૌને ચોંકાવી દીધા છે. આ બીમારીના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથોસાથ ઓછામાં ઓછા ૫૦૦ લોકો તેનાથી બીમાર થયા છે. આ બીમારીની તપાસ માટે દિલ્હી સ્થિત એઇમ્સના ડૉક્ટરોની ટીમ પણ કામે લાગી ગઈ છે. હવે તેમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તેઓએ દર્દીઓના લોહીના નમૂનાઓની તપાસ કરી. તેમાં ઓછામાં ઓછા ૧૦ દર્દીઓના લોહીમાં લેડ અને નિકલ ધાતુના કણ મળ્યા છે.
દિલ્હી સ્થિત એઇમ્સના પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એલુરુમાં શનિવારથી અત્યાર સુધી ઓછામાં ઓછા ૫૫૦ લોકો આ રહસ્યમગી બીમારીથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે. ટીમે દર્દીઓના લોહીની તપાસ કરી છે. તેમની તપાસના પરિણામોમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે સંભવતઃ લેડ અને નિકલ ધાતુના કણ દર્દીઓના શરીરમાં પાણી કે દૂધના માધ્યમથી પહોંચ્યા છે.
એલુરુની સરકારી હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. એવી મોહને ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમના દ્વારા દિલ્હી એઇમ્સને મોકલવામાં આવેલા દર્દીઓના સેમ્પલની સાઇઝ ઓછી હતી. પરંતુ તેના પરિણામ દર્દીઓના લોહીમાં લેડ અને નિકલ જેવા ભારે ધાતુ મળ્યા છે. અમે કેટલાક બીજા સેમ્પલ મોકલ્યા છે, તેના પરિણામની રાહ જાેવામાં આવી રહી છે. ડૉ. મોહને જણાવ્યું કે આ રહસ્યમયી બીમારીથી ૫૫૦ લોકો બીમાર થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર ૮૪ દર્દીઓની જ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને પણ થોડાક સમયમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.