આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્ધારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
નડિયાદઃ આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્ધારા નીલકંઠેશ્વર મહાદેવ આંબલિયારા ખાતે પરગણાના ૨૯ ગામોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડિલો, યુવાનો અને મંડળના હોદેદારો હાજર રહયા હતા.
જોધપુરના માલજીભાઇ દેસાઇના અધયક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં તૃતિય સમુહલગ્નોત્સવના આયોજન, સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા બંધારણ ઘડવું, દ્ધિતિય સમુહલગ્નોત્સવના હિસાબો, નવીન કારોબારીની રચના જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રબારી સમાજ વિકાસ મંડળ દ્ધારા સંભવિત આગામી તા.૨૦-૦૨-૨૦૨૦ ના રોજ તૃતિય સમુહલગ્નોત્સવનું આયોજન ઘડી કાઢવા સાથે સમાજમાંથી રૂઢીગત, કૃરિવાજો નાબૂદ કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક ગામમાં સમાજમાં ઘર કરી ગયેલા રીત-રિવાજોને દુર કરવા ગામ સમિતિની રચના કરી આગામી સમયમાં પરગણાના તમામ ૨૯ ગામોનું એક સંમેલન યોજી જે સૂચનો થાય તે મુજબ કુરીવાજો નાબૂદ કરવા અંગેનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રમુખશ્રી રણછોડભાઇ દેસાઇએ સમાજના હિતમાં તૃતિય લગ્નોત્સવને સફળ બનાવવા અને સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા યુવાનો સહિત વડીલોને એકઝૂટ થઇ સમાજ ઉત્કર્ષના કાર્યોમાં જોડાવા જણાવ્યું હતું. ખજાનચી શ્રી વિરમભાઇ રબારીએ સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા તલોદ ખાતે કાર્યરત સ્ટડી સેન્ટરમાં સમાજના મહત્તમ યુવક-યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જોડાય તે માટે સમાજના ગામોમાં વ્યાપક જાગૃતિ ઉભી કરવા જણાવ્યું હતું.
સમાજના અગ્રણીશ્રી રણછોડભાઇ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ, વિષ્ણુભાઇ દેસાઇ, મફતભાઇ, સહદેવભાઇ, સુંદરભાઇ, વાલજીભાઇ, વિષ્ણુભાઇ, માલજીભાઇ, કાળાભાઇ દેસાઇ, બળદેવભાઇ દેસાઇ, રાયમોલભાઇ, અમરતભાઇ, સંજયભાઇ, રઘાભાઇ, વિરમભાઇ રબારીએ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં સર્વગ્રાહી પ્રયાસો કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.