Western Times News

Gujarati News

આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્વારા જીતપુરમાં યોજાયેલ તૃતીય સમૂહ લગ્નોત્સવ સંપન્ન

સમૂહ લગ્નો રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી નવી કેડી કંડારવાના  અવસર સમાન છે – મહંત શ્રી ગણેશદાસજી મહારાજ

સમૂહલગ્ન સહુને સામાજિક સમાનતાનો અનુભવ કરાવે છે.મહંતશ્રી માનસરોવરદાસજી- ૧૧ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા.

આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ આંબલિયારા પરગણા સમસ્ત રબારી સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ બાયડ તાલુકાના જીતપુર ગામે યોજાયો હતો.આ સમુહ લગ્નોત્સમાં ડગ માંડનાર 11 નવયુગલોને ઝાક વડવાળા મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, પેટલીધામના મહંત શ્રી માનસરોવરદાસજી બાપુએ સુભાષિશ સાથે સુખી સમૃદ્ધ દામ્પત્ય જીવનની શુભકામનાઓ અર્પી હતી. નવવધૂઓને દાતાઓના સહયોગથી સોના-ચાંદી સહિતની 30 જેટલી વસ્તુઓની ભેટ સોગાદ આપવામાં આવી હતી.

પ.પૂ. ૧૦૮ મહંત શ્રી ગણેશદાસજી મહારાજે સમૂહ લગ્ન પ્રથાને સંપન્ન વર્ગોની પણ સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે ત્યારે રબારી સમાજે સખી દાતાઓ અને સમાજના સહયોગથી યોજાયેલ સમૂહ લગ્ન પરંપરા રબારી સમાજને સમાજ સુધારા તરફ ચોક્કસ લઇ જશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. શ્રી ગણેશદાસજીએ રબારી સમાજમાં મહત્તમ દિકરીઓ શિક્ષણ લેતી થાય એટલું જ નહીં સમાજના યુવક-યુવતિઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા સમૂચિત પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું કે, આંબલિયારા પરગણાના રબારી સમાજના યુવાનો દ્વારા સુસંસ્કૃત અને ક્રાંતિકારી વિચારો સાથે સમાજ રચનાને જોડવાનો સાદગી અને સહકારભર્યો અભિગમ એટલે સમૂહ લગ્ન. સમાજમાં થતાં સમૂહ લગ્નોનું આયોજન રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી નવી કેડી કંડારવાના અવસર સમાન છે. આંબલિયારા પરગણા રબારી સમાજ દ્વારા શરૂ કરાયેલ આ નવતર પહેલને તેમણે બિરદાવી નવયુગલોને  સુખ, શાંતિ અને સમૃધ્ધિના આર્શિવાદ સાથે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

પેટલીધામના મહંતશ્રી માનસરોવરદાસજી બાપુએ કહ્યું કે સમૂહલગ્નો સહુને સામાજિક સમાનતાનો અનુભવ કરાવે છે.સનાતન સંસ્કૃતિમાં લગ્ન એ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે જેનાથી ગૃહાસ્થનો પ્રારંભ થાય છે.સોનાથી સમૃદ્ધ એવા આંબલીયારા પરગણાના શ્વેત વસ્ત્રધારી ઊજળા સમાજે સમાજ સુધારણા ની દિશામાં ડગ માંડ્યા છે.જે આવકાર્ય છે.

શ્રી માનસરોવર દાસજી બાપુએ સમાજમાં સરસ્વતીના મંદિરો ઊભા કરી સમાજના દીકરા દીકરીઓને મહત્તમ શિક્ષણ આપવાનો અનુરોધ કરી યુવાનોને આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવી વ્યસનોથી પર રહેવા જણાવ્યું હતું.સમાજ સુધારણાની દિશાના નવતર અભિનવ પ્રયાસના ભાગરૂપે આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે યોજાયેલ તૃતીય  સમૂહ લગ્નોત્સવમાં ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

નવ યુગલોએ બેટી બચાવો-બેટી પઢાવોના સંકલ્પ લીધા હતા. આ ઉપરાંત સમૂહ લગ્નોત્સવમાં પ્રત્યેક યુગલને સોના ચાંદીની ઘરેણાં સહિત ઘરવખરીની 30 પ્રકારની ચીજવસ્તુઓ અને આસ્થાના પ્રતિક સમાન ચાંદીની ગાય અને ગીતાના પુસ્તકની ભેટ આપવામાં આવી હતી.

આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં મહામંત્રી શ્રી માલજી ભાઈ દેસાઇએ આંબલિયારા પરગણા રબારી સમાજ આયોજિત સમૂહ લગ્નના નવતર પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, કુરિવાજો નાબૂદ થાય તે માટે આવા આયોજનો સમયની માંગ છે.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા પ્રમુખ શ્રી રણછોડભાઇ પૂછલ્યાએ જણાવ્યું કે, આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજ સુધારણાના ભાગરૂપે ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં પરગણાના તમામ ૨૯ ગામોમાંથી સમાજના ભાઇઓનો પ્રશસ્ય આર્થિક સહયોગ સાંપડયો હતો. સમૂહ લગ્નમાં આર્થિક રીતે સહયોગ આપનાર સમાજના દાતાઓ સહિત અન્ય દાતાઓનો તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો.

શ્રી પૂછલ્યાએ વિકાસ મંડળ દ્વારા રબારી સમાજમાં કન્યા શિક્ષણ વધે તે દિશામાં પ્રયાસ હાથ ધરવાની સાથે સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા માટે બંધારણ પણ ઘડવામાં આવ્યું છે. અને આગામી સમયમાં પણ સમાજના સહયોગથી સમાજ સુધારણાના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે તેમ કહ્યું હતું.

આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ઉપ પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ રબારી, મંત્રીશ્રી મેલાભાઇ રબારી, વિરમભાઇ રબારી, ઇશ્વરભાઇ રબારી, ધનજીભાઇ રબારી, રઘાભાઇ રબારી, મફતભાઇ રબારી,શામળભાઇ રબારી, માલજીભાઈ રબારી,જયરામભાઇ રબારી,સુંદર ભાઈ રબારી તથા સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અવસરે સમાજ શ્રેષ્ઠીઓ-દાતાઓ, રબારી સમાજના ઉચ્ચ અધિકારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં વડીલો,  યુવકો-યુવતીઓ અને સમાજજનો હાજર રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.