આંબાવાડીમાં બે ઓફિસોના તાળા તૂટ્યા : ૯.૮૦ લાખની રોકડ, ૧ કિલો ચાંદીની ચોરી
તસ્કરો કારની ચાવી તથા સીસીટીવી કેમેરા પણ ચોરી ગયા: વેપારીઓમાં ફફડાટ
અમદાવાદ: શહેરનાં આંબાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બે ઓફિસોના તાળાં તોડીને સાડા નવ લાખથી વધુની રોકડ રકમ ઉપરાંત એક કિલો ચાંદી સહિત આશરે સાડા દસ લાખ રૂપિયાની કિંમતની મત્તા ચોરી ગયા હતા. ચોરીની ઘટના બનતાં કોમ્પલેક્સના અન્ય સભ્યો ડરી ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે આંબાવાડી ખાતે અભિમન્યુ આવેલું છે. જેના સાતમા માળે જીતેન્દ્રભાઈ વગેરીયાની ઓફિસ આવેલી છે. જેમાં જીતેન્દ્રભાઈ સી.એ. તરીકે પ્રોક્ટીસ કરે છે. તેમની બાજુમાં જ ૭૦૪ નંબરની રાજીવભાઈ રવાણીની ઓફિસ આવેલી છે. શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યે તે ઓફિસ બંધ કરીને ગયા હતા. બાદમાં સવારે નવ વાગ્યે તેમની ઓફિસનાં કર્મચારી રાજશેભાઈએ ફોન કરીને તાત્કાલીક ઓફિસે બોલાવ્યા હતા.
જ્યાં પહોંચતા જ જીતેન્દ્રભાઈએ ઓફીસનાં તાળાં તુટેલાં જાેયા હતા. અંદર તપાસ કરતાં ઓફિસનાં તમામ ટેબલનાં ડ્રોઅર ખુલ્લાં પડ્યા હતા. તેમની કેબીનમાં મુકેલી તિજાેરી પણ ખુલ્લી હતી. જેમાંથી સાત લાખ સાઈઠ હજાર રૂપિયાની રોકડ તથા એક કિલો ચાંદીની લગડી ગાયબ હતી. જેથી તેમણે સીસીટીવી કેમેરાં ફુટેજ તપાસવાનો પ્રયત્ન કરતાં તસ્કરો સીસીટીવી કેમેરા પણ કાઢી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. એ સિવાય તસ્કરો તેમની ક્રેટા કારની ચાવી પણ લઈ ગયા હતા.
આ ઘટના બાદ બહાર આવીને જીતેન્દ્રભાઈએ તપાસ કરતાં તેમની બાજુની રાજીવભાઈની ઓફિસ પણ ખુલ્લી હતી. જે અંગે જણાવતાં રાજીવભાઈ પણ હાંફળા ફાંફસા ઓફિસે પહોંચ્યા હતા. અને ઓફિસ ચેક કરતાં તેમાંપણ તમામ ડ્રોઅરો ખુલ્લા જણાયા હતા. તથા સામાન અસ્તવ્યસ્ત હતો. ઉપરાંત ટેબલના ડ્રોઅરમાંથી બે લાખ વીસ હજારની રકમ ગાયબ હતી. આમ બે ઓફિસમાંથી ૯.૮૦ લાખની રોકડ, ૧ કિલો ચાંદી, કારની ચાવી સહિત આશરે સાડા દસ લાખની ચોરી થઈ હતી.
આ ઘટના બાદ તુરંત સંપર્ક સાધતાં એલીસબ્રીજ પોલીસ આવી પહોંચી હતી અને સિક્યોરિટી ગાર્ડની પુછપરછ હાથ ધરી છે. ઉપરાંત આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવવાની પણ તજવીજ કરી છે.