આંબાવાડીમાં સગીરાની હત્યા કરનાર આરોપી બાયડ નજીકથી ઝડપાયો
અમદાવાદ ક્રાઈમબ્રાંચનું મોડી : રાત્રે સફળ ઓપરેશનઃ પુછપરછમાં આરોપીએ કરેલી ચોંકાવનારી કબુલાત |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે નડિયાદની સગીરાની હત્યા કરવાની ચોંકાવનારી ઘટનામાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓએ આરોપીને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી અને આ કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવામાં આવતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ હત્યાની ઘટના બાદ ઝીણવટભરી તપાસ શરૂ કરી મોડી રાત્રે આરોપીને બાયડ નજીક એક ગામમાંથી સુતો જ ઝડપી લીધો હતો.
અમદાવાદ લાવી સઘન પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબુલાત કરી છે. એક તરફી પ્રેમમાં આ યુવકે સગીરાને રહેંસી નાંખી હતી આજે મૃતક સગીરાનું પોસ્ટમોર્ટમ કર્યાં બાદ તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક ઓફિસમાં કામ કરતી નડિયાદની સગીરાની પ્રિયા પરમાર સાથે સાથે એરહોસ્ટેસનો અભ્યાસ પણ કરતી હતી આ દરમિયાનમાં તે ખેડાના બિલોદરા ગામનો યુવક નરેશ સોઢાના પરિચયમાં આવી હતી અને બંને સાથે અભ્યાસ કરતા હતા જેના પરિણામે બંને વચ્ચે વાતચીત પણ થતી હતી.
પ્રિયા પરમાર અત્યંત સહજ ભાવે નરેશ સાથે વાતચીત કરતી હોવાથી નરેશ એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો હતો અને તેનો સતત પીછો પણ કરતો હતો નડિયાદમાં રહેતી પ્રિયા પરમાર અમદાવાદ અપડાઉન કરતી હતી અને તે આંબાવાડી વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં નોકરી પણ કરતી હતી ગઈકાલે સાંજે નરેશ સોઢા તીક્ષ્ણ હથિયાર લઈ તેની ઓફિસમાં પહોંચી ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી નાંખી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
પ્રિયા પરમારની હત્યાની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓની તાકિદે બેઠક મળી હતી અને આ બેઠકમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓને પણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો સીસીટીવી કુટેજના આધારે આરોપીને ઓળખી લીધા બાદ તેને ઝડપી લેવા માટે ક્રાઈમબ્રાંચની ટીમ સક્રિય બની હતી અને નરેશ સોઢાના ફોન નંબરને ટ્રેસ કરવામાં આવ્યો હતો જેમાં હત્યાની ઘટના બાદ થોડા કલાકમાં જ નરેશ સોઢાનો ફોન નરોડાથી આગળ જ સ્વીચ ઓફ થઈ ગયેલો જણાયો હતો.
ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આરોપીના પરિવારજનોની પણ તપાસ શરૂ કરી હતી અને તેમાં બાયડ નજીક આવેલા અમાલીયારા ગામમાં આરોપી સંતાઈ શકે તેવી શક્યતા જણાતા ક્રાઈમબ્રાંચની એક ટીમ ગઈકાલ રાત્રે જ તાત્કાલિક બાયડ જવા રવાના થઈ ગઈ હતી રાત્રિના ૧.૩૦ વાગ્યાની આસપાસ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ અમલીયારા ગામે ખાનગીરાહે તપાસ શરૂ કરતા જ આરોપી નરેશ સોઢા સુતો જ ઝડપાઈ ગયો હતો.
સગીરાની હત્યા કર્યાં બાદ ભાગી છુટેલા નરેશ સોઢાને ગણતરીના કલાકોમાં જ ક્રાઈમબ્રાંચે ઝડપી લેતા તેને તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેની પુછપરછ શરૂ કરવામાં આવતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા આજે બપોર બાદ આરોપીની વિગતો જાહેર કરવામાં આવનાર છે.