IPLમાં તગડી રકમ મળતા જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કાઉન્ટી ટીમ છોડી
નવીદિલ્હી, ઈન્ડિયન પ્રિમિયર લીગ (૨૦૨૨) સીઝન માટે મેગા ઓક્શન હાલમાં જ પૂરી થઈ છે. જેમાં તમામ ૧૦ ટીમોએ પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદીને ટીમ પૂરી કરી લીધી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાન વિકેટ કિપર બેટર મેથ્યુ વેડને પણ ભારે ભરખમ રકમ મળી છે.
આ ડીલ બાદ વેડે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટને અલવિદા કર્યું છે. આ ઓસ્ટ્રેલિયન વિકેટકિપર બેટર મેથ્યુ વેડ એ જ ખેલાડી છે જેણે ટી૨૦ વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. આ મેચનો હીરો જ મેથ્યુ વેડ રહ્યો હતો.
જેણે મેચની અંતિમ ઓવરોમાં ૧૭ બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ ૪૧ રન ફટકારી પાકિસ્તાનને સ્તબ્ધ કરી નાખ્યું હતું. વાત જાણે એમ છે કે મેથ્યુ વેડને મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે ૨ કરોડ ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. મેથ્યુ વેડની બેસ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. આઈપીએલની આ મોટી ડીલ બાદ મેથ્યુ વેડે ઈંગ્લિશ કાઉન્ટી લીગ છોડી છે.
મેથ્યુ વેડ ઈંગ્લેન્ડની ઘરેલુ ટુર્નામેન્ટ કાઉન્ટી ક્રિકેટમાં વોરસેસ્ટરશાયર ક્લબ માટે રમતો હતો. તેણે આખી સીઝન માટે કરાર કર્યો હતો. પરંતુ હવે પોતાનું નામ પાછું ખેચ્યું છે. આ કારણસર વોરસેસ્ટરશાયર ક્લબે રિપ્લેસમેન્ટ તરીકે પાકિસ્તાની ક્રિકેટર અઝહર અલીને સાઈન કર્યો છે. આ વિદેશી ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે લેવાયો છે.
મેથ્યુ વેડ બીજીવાર આઈપીએલ રમશે. આ અગાઉ તેણે ૨૦૧૧ની આઈપીએલ સીઝન રમી હતી. ત્યારે મેથ્યુ વેડ દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યો હતો. ત્યારે દિલ્હીની કેપ્ટનશીપ વીરેન્દ્ર સહેવાગના હાથમાં હતી. આ વખતે તેને આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં હશે.HS