IPL ૧૪ : કિંગ્સ ઈલેવન પંજાબ પોતાનું નામ અને લોગો બદલાવશે
આઈપીએલ-૨૦૨૧ પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનું નામ બદલાઈ શકે છે. અહેવાલો અનુસાર ટીમ માલિક પ્રિતી ઝીન્ટાની આ ટીમનો નામ સાથે લોગો પણ બદલાઈ જશે. જાે કે હજુ આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ એવું મનાય રહ્યું છે કે આઈપીએલ ઓક્શન પહેલાં જ જાહેરાત થઈ જશે.કિંગ્સ ઈલેવન પંજાબ પોતાની ટીમનું નામ અને લોગો શા માટે બદલી રહી છે તેની સચોટ જાણકારી બહાર આવી નથી. ટીમ હજુ સુધી ક્યારેય આઈપીએલ જીતી શકી નથી આ ટીમની કમાન કે.એલ.રાહુલ જેવા સ્ટાર ખેલાડીના હાથમાં છે. સાથે જ હેડ કોચ અનિલ કુંબલે છે આમ છતાં ટીમ જાેઈએ તેવું પ્રદર્શન કરી શકી નથી.
આઈપીએલ ૨૦૨૧ પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબે ગ્લેન મેક્સવેલને પડતો મુકી દીધો છે કેમ કે ગત સિઝનમાં તે સાવ નિષ્ફળ ગયો હતો. તેના બેટમાંથી એક પણ છગ્ગો નીકળ્યો નહોતો. મેક્સવેલને પંજાબે ૧૦.૭૫ કરોડ રૂપિયાની કિંમતે ખરીદયો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબે રાહુલ, ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, નિકોલ્સ પુરન, મનદીપસિંહ, સરફરાઝ ખાન, દીપક હુડ્ડા, પ્રભસિમરનસિંહ, મોહમ્મદ શમી, ક્રિસ જાેર્ડન, દર્શન નલકાંડે, રવિ બિશ્ર્નોઈ, મુરુગન અશ્વિન અર્શદીપસિંહ, હરપ્રીત બરાર અને ઈશાન પોરેલને ટીમમાં જાળવી રાખ્યા છે અને ૧૮ જાન્યુઆરી થનારી હરાજીમાં તે અમુક સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.