આઇપીએલ ૨૦૨૦માં યુવરાજ સિંહ નહીં રમી શકે
મુંબઇ, પોતાની સ્ફોટક બેટિંગથી ફોર-સિક્સરનો વરસાદ કરનારો અને ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો યુવરાજ સિંહ દુનિયાની સૌથી મોટી ટી૨૦ લીગ આઇપીએલમાં નહીં રમી શકે. અહેવાલો મુજબ, યુવરાજ સિંહની એક એવી ભૂલ થઈ ગઈ છે, જેના કારણે તેનું નામ આઈપીએલ ૨૦૨૦ની હરાજીમાં સામેલ નહીં થઈ શકે. ગઈ સીઝનમાં યુવરાજ સિંહને ૧ કરોડમાં ખરીદનારી મુંબઈ ઈન્ડિયન્સે તેને રિલીઝ કરી દીધો છે. યુવીને ગઈ સીઝનમાં ચાર જ મેચોમાં રમવાની તક મળી હતી અને એવામાં ફ્રેન્ચાઇઝીએ આૅક્શન પહેલાં યુવીને રિલીઝ કરી દીધો. હવે અહેવાલ છે કે એક ટેકનીકલ કારણે યુવરાજ સિંહ આઈપીએલ ૨૦૨૦ની હરાજીનો હિસ્સો નહીં બની શકે.
યુવરાજ સિંહનું નામ આઈપીએલ ૨૦૨૦ની હરાજીમાં એક ટેકનીકલ કારણે સામેલ નથી થઈ શક્યું. મૂળે, યુવરાજ સિંહ વિદેશી લીગમાં રમે છે અને બીસીસીઆઈના નિયમ મુજબ, કોઈ પણ ખેલાડી બહારની લીગમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ જ રમી શકે છે અને સાથે જ તે આઈપીએલથી પણ સંન્યાસ લેશે. હવે આ જ નિયમ યુવરાજ સિંહ માટે મોટી મુશ્કેલી બની ગયો છે. યુવરાજ સિંહ હાલ અબુ ધાબીમાં ચાલી રહેલી ટી૧૦ લીગમાં મરાઠા અરેબિયન્સ માટે રમી રહ્યો છે. આ પહેલા તે કેનેડા ટી૨૦ લીગમાં પણ રમ્યો હતો. આ વિદેશી લીગમાં રમવા માટે એનઓસી તેમને આઈપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ બાદ જ મળી હતી.
આમ તો, યુવરાજ સિંહે વિદેશી લીગ ન રમી હોત તો પણ તેને કદાચ જ આઈપીએલની સીઝનમાં કોઈ ખરીદનાર મળતો. ગઈ સીઝનમાં યુવરાજ છેલ્લા રાઉન્ડમાં પોતાની બેઝ પ્રાઇઝ પર વેચાયો હતો. હવે યુવરાજ સિંહની ફિટનેસ અને ફાર્મ પહેલા જેવા નથી તો કોઈ ફ્રેન્ચાઇઝી તેની પર દાવ ભાગ્યે જ લગાડતી. આમ તો, યુવરાજ સિંહ હવે આઈપીએલમાં ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર તરીકે જોવા મળી શકે છે.