ICICI બેંકે અમદાવાદમાં મોબાઇલ ATM કામે લગાવ્યાં

અમદાવાદઃ આઇસીઆઇસીઆઈ બેંકે આજે જાહેરાત કરી હતી કે કોરોનાવાયરસ રોગચાળાને પગલે ઘરમાં રહેતા શહેરના રહેવાસીઓના ઘરઆંગણે મુખ્ય બેંકિંગ સેવાઓ પૂરી પાડવા બેંકે મોબાઇલ એટીએમ કાર્યરત કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના સીઇ શ્રી નીતિન સાંગવાને મંગળવારે એટીએમને લીલી ઝંડી આપી હતી. આ વાન શહેરમાં ગુલબાઈ ટેકરા પર ઊભી રહે છે. પછી આ ઓથોરિટીઝ સાથે ચર્ચા કરીને વિવિધ વિસ્તારોમાં ઊભી રહશે.
બેંક રહેવાસીઓને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ સેવા પૂરી પાડવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે, ત્યાં સુધી બેંક મોબાઇલ બેંકિંગ એટીએમ દ્વારા સવારે 10થી સાંજના 7 સુધી મુખ્ય બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.
મોબાઇલ એટીએમ રેગ્યુલર એટીએમમાં ઉપલબ્ધ તમામ સેવાઓ પૂરી પાડે છે. રોકડ રકમના ઉપાડ ઉપરાંત રહેવાસીઓ આ સેવાઓનો લાભ લઈ શકશેઃ રજિસ્ટર્ડ પેયીને ફંડ ટ્રાન્સફર, પિનમાં ફેરફાર, પ્રી-પેઇડ મોબાઇલનું રિચાર્જ અને ફિક્સ્ડ ડિપોઝિટનું બુકિંગ. ગ્રાહકો આ મોબાઇલ એટીએમમાંથી કાર્ડલેસ કેશ વિથડ્રોલરની સુવિધાનો લાભ પણ લઈ શકશે.
તાજેતરમાં બેંકે દિલ્હી એનસીઆર, નોઇડા, મુંબઈ, ચેન્નાઈ, વારાણસી અને રાનીપેટ (વેલ્લોર નજીક)માં મોબાઇલ એટીએમ કામે લગાવ્યાં છે.