Western Times News

Gujarati News

આઇ-હબ (i-Hub) ખાતે ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટ એનાયત કરવામાં આવી

સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ હેઠળ 150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને SSIP 2.0 અંતર્ગત 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી

આ ગ્રાન્ટ મદદ નથી, પણ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે મૂડીરોકાણ છે -યુવાશક્તિમાં કરેલું રોકાણ આવનારા સમયમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે-એક ઉદ્યોગસાહસિકમાં હંમેશા ‘આઈ કેન ડુ’ની ભાવના હોવી જોઈએ

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે આઇ-હબ (i-Hub) ખાતે સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ હેઠળ 150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ અને SSIP(સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી) અંતર્ગત 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી.

આ ગ્રાન્ટ એનાયત પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 2047 માં ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા કટિબદ્ધ છે. આગામી સમયમાં આ સ્વપ્નને સાકાર કરવા માટે ઉભરતા ભારતની ઉભરતી યુવા પેઢીની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેવાની છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની શરૂઆત અને તેના વિકાસ વિશે વધુમાં વાત કરતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં ભારતના યુવાનોના વિચારો અને આઇડિયાને માર્કેટ સુધી પહોંચાડીને તેમને અર્થતંત્રના વિકાસમાં સહભાગી બનાવવા માટે યોગ્ય પોલીસી અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયોજનપૂર્વક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે.

માઈન્ડ ટુ માર્કેટના ઉદ્દેશ સાથે કામ કરતું આઇ-હબ(i-Hub) પણ આવું જ એક સુંદર પ્લેટફોર્મ છે. જાહેર જીવન અને સામાજિક જીવનની સમસ્યાઓ અંગેના સોલ્યુશન સ્વરૂપે રાજ્યના યુવાધન દ્વારા રજૂ કરવામાં આવતા આઈડિયાઝને ખાલી આઈડિયા ન રહેવા દેતા યોગ્ય પ્લેટફોર્મ થકી માર્કેટ સુધી પહોંચાડવાનું કામ આઇ-હબ કરી રહ્યું છે. આઈ-હબ સહિત સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ ક્ષેત્રે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેકવિધ દિશાસૂચક ઉપક્રમો થકી આજે દેશમાં એક લાખ જેટલા સ્ટાર્ટ અપ સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યાં છે તથા અન્ય યુવાઓને સારી એવી રોજગારી પૂરી પાડી રહ્યાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ સંદર્ભે વધુમાં વાત કરતા શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ગ્રાન્ટ સ્વરૂપે સરકાર માત્ર મદદ નથી કરતી, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં આ મૂડીરોકાણ છે. આજે સરકાર સહિત ઉદ્યોગપતિઓ અને ઇન્વેસ્ટર્સ પણ અવનવા સ્ટાર્ટઅપસમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે. મોટા સ્ટાર્ટ અપ્સ પણ નાના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને એક સુંદર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનું નિર્માણ કરી રહ્યા છે. દેશભરમાં કાર્ય કરી રહેલા આવા અનેક સ્ટાર્ટઅપ્સ દેશની ઇકોનોમીને બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

યુવા ઉદ્યોગસાહસિકોને સલાહ આપતા શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિકને પોતાના આઈડિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેનો આત્મવિશ્વાસ બુલંદ હોવો જોઈએ. કોઈપણ સ્ટાર્ટઅપમાં શરૂઆતના સમયમાં ચેલેન્જીસ આવતી હોય છે, પરંતુ સતત શીખતા રહીને પોતાના આઈડિયાને માર્કેટમાં લઈ જવા માટે મહેનત કરવા માટે તત્પર રહેવું જોઈએ. એક ઉદ્યોગસાહસિકમાં હંમેશા ‘આઈ કેન ડુ’ ની ભાવના હોવી જોઈએ અને તેની ટેલેન્ટ અને સ્કીલ સતત અપગ્રેડ થતી રહેવી જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.  યુવા શક્તિમાં કરેલું રોકાણ આવનારા સમયમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ તેમણે આઈ હબ અને ઉપસ્થિત મહાનુભાવોને સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ વિશે રાજ્યના વધુને વધુ જિલ્લાઓમાં જાગૃતિ ફેલાય અને ન ભણેલા હોવા છતાં ટેલેન્ટેડ હોય અને સ્કીલ ધરાવતા હોય તેવા યુવાનો પણ આ પ્લેટફોર્મ અને આ યોજનાનો લાભ મેળવી શકે તે પ્રમાણેનું આયોજન કરવા બાબતે વિનંતી કરી હતી.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશ કુમારે જણાવ્યું હતું કે, સ્ટાર્ટ ઇકોસિસ્ટમ આજે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. કેન્દ્ર સરકારના સ્ટાર્ટ અપ ઇન્ડિયા ઉપક્રમ અંતર્ગત રાજ્યોમાં બનાવાયેલા આઇ હબ સેન્ટર દેશભરમાં સ્ટાર્ટ અપ અને ઈનોવેશનને નાણાકીય સહાય સહિત ડેડિકેટેડ મેંટરશિપ પૂરાં પાડે છે. સ્ટાર્ટ અપ અને ઈનોવેશન ક્ષેત્રે દેશભરમાં ચોક્કસ દિશામાં થઈ રહેલા પ્રયત્નોના લીધે આજે દેશમાં એક લાખથી વધુ સફળ સ્ટાર્ટ અપ વિકાસ પામ્યાં છે. છેલ્લાં 3 વર્ષથી ગુજરાત રાજ્ય દેશમાં સ્ટાર્ટ અપ ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મર બની રહ્યું છે, જે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0) અને આઇ-હબ (i-Hub) જેવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નોને લીધે શક્ય બની રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 2022 થી 2027 સુધી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રૂ. 500 કરોડના બજેટ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0) અમલમાં મૂકવામાં આવી છે.

જે અંતર્ગત આઇ-હબ (i-Hub) દ્વારા ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને યોગ્ય દિશામાં 2.5 – 10 લાખ સુધીની નાણાંકીય સહાય સહિત અન્ય માર્ગદર્શન પૂરું પાડીને પ્રોટોટાઇપ અને મીનીમમ વાયેબલ પ્રોડક્ટ (MVP) બનાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે ‘સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ (S4)’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોગ્રામ હેઠળ 150 પસંદ કરવામાં આવેલ ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને આઇ-હબ દ્વારા નાણાંકીય સહાયની સાથે ડેડિકેટેડ મેંટરશિપ, માર્કેટ ઍક્સેસ, માળખાકીય સહાય, નેટવર્કિંગ અને પ્લેટફોર્મ પ્રદાન કરવા સહિત પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે તેમના ઈનોવેશનને પ્રદર્શિત કરવા પણ મદદ પૂરી પાડવામાં આવશે.

આ ગ્રાન્ટ એનાયત પ્રસંગે ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી બંછાનિધી પાની, હાયર એજ્યુકેશન ડાયરેકટર શ્રી પી. બી. પંડ્યા, આઇ-હબના સીઇઓ હિરનમ્ય મહંતા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.