આઈઈડી એક્સપર્ટ જૈશેનો મુખ્ય કમાન્ડર વાલિદ સહિત ૩ આતંકી ઠાર
શ્રીનગર, કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળે જૈશ- એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશેના મુખ્ય આતંકવાદી અને આઈઈડી એક્સપર્ટ વાલિદ પણ હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટક પદાર્થ અને હથિયાર મળી આવ્યા છે. એન્કાઉન્ટરમાં ૩ જવાન પણ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે જણાવ્યું હતુ કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર અને આઈઈડી નિષ્ણાત વાલિદ સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ ૪ રાઇફલ, એકે -૪૭ અને ૧ પિસ્તોલ મળી આવી છે. તેમજ અન્ય સામગ્રી પણ મળી આવી છે. આ સાથે તેમણે રાજકીય કાર્યકરોને સંપૂર્ણ સુરક્ષા આપી રહ્યા હોવાની વાત કરી હતી સાથે સાથે તેમણે રાજકીય કાર્યકરોને વિનંતી કરી હતી કે તેઓ એસઓરીનું પાલન કરે અને પોતાના પ્રવાસ અંગે પોલીસને જાણ કરે.ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદી હોવાની માહિતી મળતા આ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સેનાના ૩ જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર વાલિદ પણ હતો. જે આઈઈડીનો નિષ્ણાત હતો. તેમજ તે પાકિસ્તાનમાં તેના આકા પાસેથી સીધો ઓર્ડર લેતો હતો.