આઉટ થતાં કીવી બેટસમેને બેટે ફેંટ મારતાં હાથમાં ઈજા
દુબઈ, ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. પણ આ મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોન્વે ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ અને આગામી ભારત પ્રવાસમાંથી બહાર ફેંકાઈ ગયો છે.
મેચ દરમિયાન આઉટ થતાં ગુસ્સામાં આવીને કોન્વેએ પોતાના બેટને જાેરથી ફેંટ મારી હતી. જાે કે, બાદમાં હાથ ભાંગી જતાં તેને હવે ફાઈનલમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રમાયેલ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સફળતાથી ૧૬૭ રન ચેઝ કર્યાં હતા અને તેમાં ડેવોન કોન્વેએ શાનદાર ૪૬ રનોનો ફાળો આપ્યો હતો.
હવે ફાઈનલમાંથી તે બહાર ફેંકાઈ જતાં ન્યૂઝીલેન્ડ ટીમની ચિંતામાં વધારો થયો છે. કેમ કે, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમનાર છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, અબુધાબીમાં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ડેવોન કોન્વેએ આઉટ થયા બાદ પોતાના બેટને હાથ મારતાં તેને ઈજા પહોંચી છે. અને આજે કરવામાં આવેલાં એક્સ-રેમાં જાણવા મળ્યું છે કે, તેના હાથની પાંચમી આંગળીમાં ફ્રેક્ચર છે.
કોન્વેની ઈજા અંગે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના હેડ કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, કોન્વે બરબાદ થયો તે સમજી શકાય છે. સેમિફાઈનલમાં આ રીતે આઉટ થવાને કારણે તે ભારે નિરાશ થયો હતો.
ડેવોન બ્લેકકેપ્સ તરફથી રમવા માટે અતિ ઉત્સાહી છે અને આ ક્ષણે તેના જેટલો દુઃખી માણસ અન્ય કોઈ નહીં હોય. જેથી અમે અત્યારે તેની આસપાસ રહીને તેને સપોર્ટ કરી રહ્યા છીએ. ફિલ્ડ ઉપર ત્વરિત પ્રક્રિયાની આ ઘટના છે. અને આવેશમાં આવીને ફેંટ મારવાને કારણે ગ્લ્વસ પેડિંગની વચ્ચે વાંગતા તેની આંગળી તૂટી ગઈ હતી અને આ કોઈ સમજદારીપુર્વકનું વર્તન હતું, અને આ ઈજામાં ક્યાંકને ક્યાંક ખરાબ નસીબ પણ છે.
આ ઉપરાંત સ્ટીડે કહ્યું કે, સમયના અભાવને કારણે ટી૨૦ વર્લ્ડ કપ ફાઈનલ અને આગામી અઠવાડિયાથી ભારત સામે શરૂ થનાર ટી૨૦ સીરિઝ માટે અમે તેનું રિપ્લેસમેન્ટ લાવી નહીં શકીએ. પણ આ મહિનાના અંત માટે શરૂ થનાર ટેસ્ટ સીરિઝ માટે અમે તેના વિકલ્પ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી૨૦ સીરિઝ ૧૭ નવેમ્બરથી જયપુરમાં શરૂ થનાર છે.SSS