આક્ષેપ કરતાં પહેલાં વિચારી લે
કોના પર આક્ષેપ મૂકો છો? શેને માટે મૂકો છો? આક્ષેપ જેના પર કરવામાં આવે છે તે સાચો છે કે નહિ તે જાેયા તથા જાણ્યા વગર ભૂલ કરવી તે પોષાય નહિ. આક્ષેપ કરતાં પહેલાં કોઈ પણ જાતનું ઉતાવળિયું પગલું ભરવું એ હિતાવહ નથી.
કોઈના પર પણ દોષનો ટોપલો ઢોળતા પહેલાં પોતે પૂરેપૂરી ચકાસણી કરવી જાેઈએ. ભૂલથી પણ આક્ષેપ ખોટો ઠરે તો મસમોટું કર્મ બંધાયાનું પાપ ગણાય છે અને તે પાપમાંથી છૂટકારો મેળવવા પોતાને કેટકેટલી વેદના સહન કરવી પડે છે તેનો તેને ખ્યાલ હોતો નથી.
ખોટું આળ મુકવાથી કોઈ વખત આક્ષિપ્તને મનમાં લાગી આવતાં ઝેર પીને આત્મહત્યા કરી લેતો હોય છે. આક્ષેપગર્ભ સાચો છે કે ખોટો જાણ્યા વગર કોઈનો જાન જવાથી આક્ષેપી ગુનેગાર બની જાય છે. આક્ષેપક ખોટો ઠરતા તે પાપ રૂપી ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય છે.
કોઈના પર ઉતાવળિયો, ભૂલભરેલો કે અવિચારી આક્ષેપ મૂકવાનો કોઈને પણ અધિકાર હોતો નથી. ધણી વખત અમુક વ્યક્તિ પોતાનો અહમ્ પોષવા કોઈના પર વેર ઝેર હોય અથવા એ વ્યક્તિ અણગમતી હોય કે કોઈ વ્યક્તિ પર પૂર્વગ્રંથિ બંધાતા આક્ષેપ મૂકી દેતા અચકાતા નથી અને આક્ષેપ મૂકીને તે વ્યક્તિને સંડોવી દેતા હોય છે. પછી ભલેને તે આક્ષેપ ખોટો પુરવાર થાય. જ્યાં સુધી આક્ષેપ પૂરવાર ન થાય ત્યાં સુધી આક્ષિપ્તની રાત દિવસની ઊંઘ ઉડી જાય છે તથા ચિંતાયુક્ત બની રહે છે.
શ્રેણુ કહે આજ
કોઈના પર આક્ષેપ મૂકતાપહેલાં વિચારી લે તું હજાર વાર,
ન’કર પસ્તાઇશ જાે પડ્યો ખોટો તું જિંદગીભર.
શું તુજને છે ફક્ત શક યા પૂર્વગ્રહ કોઈ પર,
તો ના કર આક્ષેપ તું કોઈ પર.
ફસાઈ જશે, મરી જશે, તે આક્ષિપ્ત બનીને,
ખાતરી હોય તો જ, બની જા આક્ષેપક બનીને.
આક્ષેપ બે જાતના હોય છે ખોટો કે સાચો. ઘણી વખત શંકા આવવાથી આક્ષેપ મૂકી દેતા હોય છે. જેથી આક્ષિપ્ત લોકોની નજરમાંથી ઉતરી જતા ચર્ચાનો વિષય બની જતો હોય છે. અમુક સંજાેગોમાં આક્ષેપ મૂકાતા મુકાઈ ગયા પછી આક્ષેપીને મનમાં સાચા ખોટાનો ખ્યાલ આવતા પસ્તાવાનો પાર રહેતો નથી અને પોતાની જાતને ગુનાહિત માનસ તરીકે અનુભવે છે તેથી આક્ષેપ મૂકતા પહેલા આક્ષેપકે સો વાર વિચાર કરવો જાેઈએ. આક્ષિપ્ત પર શું વિતતી હશે તેવો આક્ષેપકને ખ્યાલ હોતો નથી.