આખરે લેડી ડોન સોનુ ડાંગર પાસા હેઠળ પાલારા જેલમાં
અમદાવાદ: અમરેલી એસપી નિર્લિપ્ત રોય અને પીએસઆઇ જલ્પા ડોડિયાને ધમકી આપીને રાજસ્થાનમાં છુપાઇને બેઠેલી લેડી ડોન સોનુ ડાંગર આખરે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે અને સોનુ ડાંગરને ભૂજની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવી છે. અમરેલી પોલીસની આકરી કાર્યવાહીને લઇ સ્થાનિક ગુનેગારો અને અસમાજિક તત્વોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
ચકચારભર્યા હથિયારના એક કેસમાં સોનુના સાથી મુન્ના રબારીની અમરેલી પોલીસે બરાબરની ખાતેરદારી કરી હતી, જેમાં સોનુ ડાંગરે વીડિયો બનાવીને અમેરેલી એસપી અને મહિલા પીએસઆઇને જોઇ લેવાની ધમકી આપી હતી, બાદમાં પોલીસની ૧૮ ટીમો દ્વારા શોધખોળ કરાતા તે રાજસ્થાનના ઉદેપુરની એક હોટલમાંથી પકડાઇ હતી. સોનુ ડાંગરના ધમકીકાંડ બાદ અમરેલી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.
જા કે, પોલીસથી બચવા તેણી રાજસ્થાન ભાગી ગઇ હતી અને જુદી જુદી હોટલો બદલીને છુપાતી રહેતી હતી પરંતુ અમરેલી ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી લેડી ડોનની ઉદેપુરની હોટલમાંથી અચાનક જ ધરપકડ કરી લેતાં તે પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, લેડી ડોન સોનુ ડાંગર સામે રાજકોટ,અમરેલી અને જૂનાગઢ સહિતના શહેરોમાં અનેક ગુના નોંધાયેલા છે, થોડા સમય પહેલા અમદાવાદની હોટલમાં દારૂની પાર્ટી વખતે તે પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. ખંડણી, જમીનો પર કબ્જો, લૂંટ, ફાયરિંગ અને હત્યા સહિતના અનેક ગુના તેના નામે નોંધાયેલા છે. હવે તેને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવી પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વોને શિક્ષાત્મક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો.