આખરે વેક્સિનના લાખો ડોઝનો બગાડ થયો હોવાનું સરકારે સ્વીકાર્યું
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ હતો ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી. જેમાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
ત્યારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળની ચર્ચા દરમ્યાન અલગ-અલગ મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમ્યાન રસીનો બગાડ થયો હોવાનું પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે, જાન્યુઆરી-૨૦૨૧ થી જુલાઇ-૨૦૨૧ દરમ્યાન કેન્દ્ર સરકારે કુલ ૩.૧૯ કરોડ ડોઝ રાજ્ય સરકારને આપવામાં આવ્યાં. જે પૈકી સરકારે જુલાઇ મહિના સુધીમાં ૩.૩૨ કરોડ નાગરિકોને રસી આપી.
કુલ પૈકી ૮ લાખ ૩૩ હજાર ૪૬૬ ડોઝનો વેસ્ટેજ થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. રસીની વાઇલ ખોલ્યા બાદ તેનો ૪ કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે પરંતુ સમય વીતી જતા ડોઝનો બગાડ થતો હોવાનું પણ સરકારે કારણ રજૂ કર્યું છે.
તદુપરાંત રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાને લઇને પણ સરકારે ખુલાસો કર્યો છે. કોરોનાકાળ દરમ્યાન છેલ્લાં એક વર્ષમાં ગેરકાયદેસર રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાના અનેક કેસો સામે આવ્યાં.
ત્યારે સરકારે આ મુદ્દે ગૃહમાં આંકડા રજૂ કર્યા હતાં. જે મુજબ અમદાવાદમાં ૫૬ વ્યક્તિઓ અને વડોદરામાં ૧૫ વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો. કુલ ૫૪ ઇસમો સામે કોર્ટમાં કેસ દાખલ થયા છે જ્યારે કુલ ૧૭ ઇસમો સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે.HS