આખી પરીક્ષા સિસ્ટમ જ ખોખલી છે એ સ્પષ્ટ થઈ ગયું છે?
છેલ્લાં પાંચ વર્ષમાં મહત્ત્વની ૭૦ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે મોટાભાગની ખાનગી મેડિકલ અને એન્જિનીયરિંગ કોલેજોમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે
ગુરૂવારે સંસદને કરેલા સંબોધનમાં રાષ્ટ્રપતિએ પરીક્ષાઓના લીંક થઈ રહેલા પેપરોના મુદ્દે પગલાં લેવા પર ભાર મુકયો હતો. બીજી બાજુ, સીબીઆઈના દરોડો વિવિધ શહેરોમાં ચાલી જ રહ્યા છે. સરકાર ગુનેગારોને પકડવા ભલે ધમપછાડા કરતી દેખાતી હોય, પરંતુ હવે સ્પષ્ટ થઈ ચુકયું છે કે આખી પરીક્ષા સિસ્ટમ જ ખોખલી થઈ ચૂકી છે.
નેશનલ ઈલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના પેપર લીક કૌભાંડ પછી દરેક પરીક્ષા પદ્ધતિને શંકાથી જોવાઈ રહી છે. લોકો પરીક્ષાના પેપરો માટે જ નહી, ઈન્ટરવ્યુ માટે પણ ઓળખાણ કાઢતા કે ‘સોર્સ’ શોધતા થઈ ગયા છે. આરટીઓ ઓફિસે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જનારા એજન્ટ કે સોર્સ શોધતા હોય તેવો આ ઘાટ છે. ઈલેકટ્રોનિક સિસ્ટમ અને સેન્સર સિસ્ટમ હોવા છતાં લોકો પૂરતી પ્રેકટિસ કર્યા વગર સોર્સના ભરોસે પહોંચી જતા હોય છે.
છેલ્લા ૧૦ વર્ષમાં મોટાભાગની શૈક્ષણિક પરીક્ષાને શંકાથી જોવા ઈરહી છે. પરીક્ષાના અંતિમ દિવસોમાં ઈમ્પોર્ટન્ટ પ્રશ્રોનો સેટ, આટલું વાંચશો તો પાસ થઈ જશો પ્રકારની ટિપ્સ ફરતા થઈ જાય છે. ટયુશન કલાસીસવાળા આઈએમપી (ઈમ્પોર્ટન્ટ) પ્રશ્રો બહાર પાડીને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની સંવેદના ઉભી કરે છે.
પેરેન્ટસ પણ પોતાના સંતાનને મહત્વના પ્રશ્રો મળી રહે તે માટે પ્રયાસો કરતા હોય છે. મોટાભાગના કિસ્સામાં છેલ્લી ઘડીએ આવતા મહત્વના પ્રશ્રો ફલોપ શો સમાન સાબિત થતા હોય છે, છતાં યલોકો તેની પાછળ દોડતા હોય છે અને પૈસા ગુમાવતા હોય છે.
અરે, હવે તો સોશિયલ નેટવર્ક પર પણ પેપર ફૂટે છે. અહીં માત્ર નીટના પેપરની વાત નથી. એક અંદાજ અનુસાર ર૦૧૯થી અત્યાર સુધીમાં ૭૦ જેટલી મહત્વની એકઝામના પેપર ફૂટી ગયા છે. ર૦ર૧માં લશ્કરમાં ભરતી થવા માટેની ઈન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એકઝામ, ર૦ર૧ની જ જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામિનેશન (જેઈઈ), ર૦ર૩ની સેન્ટ્રલ ટીચર્સ ઈલિજીબિલિટી ટેસ્ટ જેવી કેટલીય મહત્વની પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા હતા.
એક સમય હતો જયારે લોકો વહેલું રિઝલ્ટ મેળવવા માટે લાગવગનો ઉપયોગ કરતા હતા. આજે લોકો પરીક્ષાનું પેપર આગોતરું મેળવી લેવા ફાંફા મારે છે. અરે, હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓ પણ આઈએમપી કવેશ્વન મેળવવાની આશા રાખીને બેઠો હોય છે. ઠોઠ નિશાળીયાઓ તો આઈએમપી પર જ નભતા હોય છે.
કોઈક પેર લીક કરે છે ને તે સાથે જ તેના સોર્સ સુધી પહોંચવા માટે લોકો કોલંબસની ભુમિકામાં આવી જાય છે. ‘થ્રી ઈડિયટ’ ફિલ્મમાં ખુદ હીરો તેના મિત્રો સાથે મળીને એન્જિનીયરિંગની ફાઈનલ એકઝામનું પેપર ચોરી લાવે છે. સ્કૂલોમાં જે વિષયના ટીચર હોય તેનું ટયુશન રાખીને વાલીઓ પોતાના સંતાનની શકયતાને ઉજળી કરવાની કોશિશ કરે છે.
ક્યોક તો એવુંય લાગે કે જાણે પરીક્ષામાં પણ પાસ થવું હવે બહુ અટપટું રહ્યું નથી. લોકો લીક પેપર શોધવા મથે છે અને પછી કાં તો પૈસાના જોરે ધાર્યું પરિણામ મેળવે છે. ગુજરાતમાં મેડિકલ અને પેરામેડિકલ શાખામાં જેમને એડમિશન મળતું નથી તેઓ અન્ય રાજયોમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં, એડમિશન લે છે.
મોટાભાગની ખાનગી મેડિકલ અને એન્જિનીયરીંગ કોલેજોમાં રાજકીય નેતાઓની ભાગીદારી હોય છે. આવી કોલેજો આડેધડ ફી લે છે. શિક્ષણને ધંધાદારી બનાવી દેનારા તત્વો આ જ છે. કેટલાક વળી રશિયા અને ફિલીપાઈન્સ સુધી લાંબા થાય છે.
તાજેતરમાં કલકત્તામાં એક એવા એજન્ટને પકડવામાં આવ્યો હતો કે જે નીટ-યુજીના મેરિટ લિસ્ટમાં નામ લાવી આપવાના ૧ર લાખ રૂપિયા લેતો હતો. એક વિદ્યાર્થીના વાલીએ એડવાન્સ પેટે પાંચ લાખ ચુકવી દીધા હતા પરંતુ પછી શંકા જતા ગુનેગારની માહિતી પોલીસનેઆપી હતી અને તેને પકડાવી દીધો હતો.
અનેક સ્ટુડન્ટ યુનિયનો સરકારને પરીક્ષા સિસ્ટમમાં સુધારો કરવા રજૂઆત કરી ચુકયા છે, પરંતુ ઉપલો અધિકારી વર્ગ તેમની સાથે કયારેય ચર્ચા કરવાની કે તેમના વિચારો જાણવાની દરકાર કરતો નથી. શિક્ષણ ક્ષેત્ર આમૂલ પરિવર્તન માંગી રહ્યું છે. પરંતુ સરકાર તે હિંમત બતાવી શકતી નથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે બેફામ રમત રમાઈ રહી છે.