Western Times News

Gujarati News

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી

અમદાવાદ, ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને જ્યાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાઇ શકે છે. ત્યાં જ ગરમીનો પારો ૩ થી ૪ ડીગ્રી ઘટવાની સંભાવના છે.

હવામાન વિભાગે રાજ્યમાં આજથી ૫ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે.

રાજ્યમાં સોમવારના દિવસની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અમરેલીના લાઠીમાં ૨.૭૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં ૩૪ એમએમ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જ્યાં રાજ્યભરમાંથી ૫૦થી વધુ હવામાન નિષ્ણાતોએ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યું હતુ. પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડલી વાક્યો અને પ્રકૃત્તિના આધારે કરાતી આ આગાહી મુજબ ચોમાસું ૧૨ આની રહેશે.

એટલે કે, રાજ્યમાં ચોમાસું મધ્યમ રહેશે. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસવાની સંભાવના છે, જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા છે.

જ્યારે ચોમાસું ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં વિદાય લઈ શકે છે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વધુ વરસાદ પડશે તો કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓછો વરસાદ રહી શકે છે. કેટલાક આગાહીકારોએ વાવાઝોડાની પણ આગાહી કરી છે. તો કેટલાકના મતે કેટલાક જિલ્લામાં વરસાદની તંગીની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.