આગામી એપ્રિલ સુધીમાં ભારતીય વાયુસેનામાં 21 રાફેલ વિમાનો સામેલ થશે
નવી દિલ્હી, ભારતને આગામી એપ્રિલ મહિના સુધીમાં કુલ 21 રાફેલ વિમાનોની ડિલિવરી મળી જશે.જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થઈ જશે.
હાલમાં ભારતને ફ્રાંસે પાંચ રાફેલ વિમાનો આપી દીધી છે.જે વાયુસેનામાં સામેલ પણ થઈ ગયા છે.બીજા 16 વિમાનો પણ એપ્રિલ મહિના સુધીમાં ભારત આવી જશે.આ પૈકીના 3 વિમાનો તો ફ્રાંસ દ્વારા ભારતને નવેમ્બર મહિનામાં આપી દેવાશે.ભારતે ફ્રાંસ સાથે કુલ 36 વિમાનોનો સોદો કર્યો છે.ફ્રાંસે વિમાનોની ડિલિવરી ઝડપથી કરવા માંડી હોવાથી વાયુસેનાની તાકાત-ક્ષમતા વધી રહી છે.
એક અખબારના અહેવાલ પ્રમાણે નવેમ્બરમાં આવનારા ત્રણ વિમાનોને પણ ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે.આ પહેલા 29 જુલાઈએ પાંચ રાફેલ વિમાનો અંબાલા એરબેઝ પહોંચ્યા હતા.બીજા ત્રણ વિમાનોનુ પાંચ નવેમ્બરે ભારતમાં આગમન થશે.આ વિમાનો ફ્રાંસથી ઉડીને સીધા અંબાલા પહોંચશે.હવામાં જ રિફ્યુલિંગ થવાના કારણે વિમાનોને કોઈ જગ્યાએ ઉતરાણ કરવાની જરુર નહી પડે.આ પહેલા જે પાંચ વિમાનો આવ્યા હતા તે અબુધાબી ખાતે ફ્યુલ લેવા માટે રોકાયા હતા.
નવેમ્બરમાં 3 વિમાનો મળ્યા બાદ બીજા 3 વિમાનો જાન્યુઆરીમાં , 3 વિમાનો માર્ચમાં અને સાત વિમાનો એપ્રિલ મહિનામાં ભારતને મળી જશે.