આગામી ઓગસ્ટ મહિનામાં ઉજવાશે, હર ઘર તિરંગા મહોત્સવ
આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ લોક સહયોગથી સર્વત્ર લહેરાતા તિરંગાથી યાદગાર બનાવવાનું આયોજન
વડોદરા, ઑગસ્ટ મહિનો ભારતીય સ્વતંત્રતા ના સંદર્ભમાં ક્રાંતિનો મહિનો ગણાય છે.સારો વરસાદ,ખેતરોમાં હરિયાળી,વિવિધ તહેવારોની ઉજવણી,અને વાદળછાયું વાતાવરણ આ મહિનાને એક અનેરો આપે છે.
તેવા સમયે આ વર્ષનો આગામી ઓગષ્ટનો મહિનો દેશભક્તિની ભાવના થી પણ તરબતર બને એવું દૂરંદેશીભર્યું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
તેના હેઠળ ઓગસ્ટ મહિનાની ૧૧ થી ૧૭ મી તારીખ સુધી સમસ્ત ગુજરાતમાં હર ઘર તિરંગા ઉત્સવ/ અભિયાન યોજવામાં આવ્યું છે જેના પગલે આઝાદીના અમૃત પર્વની ઉજવણી યાદગાર બની જશે અને સર્વત્ર લહેરાતા રાષ્ટ્ર ધ્વજ થી દેશભક્તિની ભાવના અને જુવાળનો અપૂર્વ માહોલ રાજ્યમાં પ્રસરી જશે.આકાશમાં ઘનઘોર વાદળ અને હરિયાળી ધરતી પર ચહુદિશ લહેરાતા તિરંગા એક અદ્ભુત માહોલનું સર્જન કરશે.
તિરંગા ઉત્સવના સંદર્ભમાં હાલમાં ૨૦૦૨ ના ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ પ્રમાણે નિર્ધારિત માપ અને મટીરીયલ ના રાષ્ટ્ર ધ્વજ મોટા પાયે સિવડાવવા,પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે તે રીતે ધ્વજ નું વેચાણ,વિતરણ કરવું,
આ કામમાં ખાદી સંસ્થાઓનો સહયોગ લેવો,લોકો આઝાદી માટેની સંઘર્ષ ગાથાથી વાકેફ થાય તે માટે પ્રભાત ફરી અને ચર્ચા સત્રો યોજવા જેવા આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.ધ્વજની સિલાઇના કામ થી સિવણના ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ મહિલા સ્વ સહાય જૂથોને રોજગારી મળે એવું સંકલન કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સ્તરે આ સમગ્ર ધ્વજ અભિયાનના આયોજન અને સંકલનની જવાબદારી ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીને અને જિલ્લા સ્તરે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીને સોંપવામાં આવી છે.
અભિયાનની ઉપરોક્ત દર્શાવેલી તારીખો દરમિયાન રાજ્યના તમામ ઘરો,દુકાનો,શાળાઓ, કચેરીઓ,સંસ્થાઓ ખાનગી કચેરીઓ,જાહેર સ્થળો સહિત સર્વત્ર અને ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે અને રાજ્ય તિરંગામય બની જાય એવી અપેક્ષા રાખવામાં આવી છે તેમ યુવા વિકાસ અધિકારી શ્રી કેતૂલ મહેરીયા જણાવે છે.