આગામી ચોમાસા પૂર્વ તૈયારીઓ અંગે વડોદરા જિલ્લા કલેકટરની સુચના
વડોદરા, ચોમાસું નજીકમાં છે.તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા મહાનગર પાલિકા,જિલ્લા પંચાયત,માર્ગ અને મકાન વિભાગ,એસ.ટી.,સિંચાઇ સહિતના વિવિધ વિભાગો સાથે પ્રાથમિક પરામર્શ બેઠક યોજી હતી અને ચોમાસાંની પૂર્વ તૈયારી સંદર્ભમાં તકેદારી અને અગમચેતી સાથે જરૂરી સુવિધા સહિત તમામ સુસજ્જતા કેળવવા અને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂરી કરી લેવા સૂચના આપી હતી.
તેમણે ખાસ કરીને નહેરો અને કાંસોની સાફસફાઈ,રસ્તા અને પાણીના માર્ગો પર ચોમાસામાં બાધક બને તેવા ઝાડી ઝાંખરા અને અવરોધો નું નિવારણ, તળાવો અને પાળાઓ ની મજબૂતી જેવા જરૂરી કામો અગ્રતા ક્રમે કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત રસ્તાઓના ખાડા પૂરવા અને જરૂરી દુરસ્તી કરવી, વીજ કંપનીઓ દ્વારા વીજ લાઇનો ની જરૂરી દુરસ્તી કરવી જેવી બાબતોની ચર્ચા કરી, કરવા યોગ્ય પૂર્વ તૈયારીઓનું વિગતવાર માર્ગદર્શન તેમણે આપ્યું હતું.ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈન, ગટરો, નાળા, નહેરો, વોટર બોડી અને નદી કિનારાની સફાઈ અને માળખાઓની દુરસ્તી અને સુધારણા કરવાની સૂચના આપવાની સાથે સિંચાઇ વિભાગને કાંસની સફાઈ યોગ્ય રીતે થાય એનું મોનીટરીંગ કરવા અને ભૂખી તેમજ રંગાઈના કાંસો ની સફાઈ કરાવવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.