Western Times News

Gujarati News

આગામી તા. ૧૧ થી ૧૭ જાન્યુઆરી-૨૦૨૦ દરમિયાન ‘૩૧મું માર્ગ સલામતી સપ્તાહ’ યોજાશે

પ્રતિકાત્મક તસવીર

શાળા-કોલેજો, પોલીસ, એન.જી.ઓ., ડબલ્યુ.એચ.ઓ., વિશ્વબેંક અને  એશિયન ડેવલપમેન્ટ બેંક સહિતની સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતતા આવે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૧ જાન્યુઆરી થી ૧૭  જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ‘૩૧મું માર્ગ સલામતી સપ્તાહ’ યોજવાનું કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આગામી તા. ૧૧ થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન યોજાનારા આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન નાગરિકો અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પોલીસ, તબીબો, શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, વિશ્વ આરોગ્ય સંસ્થા-ડબલ્યુ.એચ.ઓ., વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે. જેમાં વોકાથોન, ટ્રાફિકના નિયમો તોડનારને ગુલાબ આપી સમજાવવા, મહિલાઓ દ્વારા વિવિધ વાહન રેલી, ઔદ્યોગિક વસાહતો, ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પ, રોડ સેફટી મેસ્કોટ, રોડ અકસ્માત અંગે વર્લ્ડ બેન્ક દ્વારા આંકડા રજૂ કરવા, વર્લ્ડ બેન્ક સાથે મળીને નેશનલ હાઇવે મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવી, માર્ગ સલામતી ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર રાજ્યને એવોર્ડથી સન્માનીત કરાશે,  રોડ સલામતી અંગે સમર્થન આપનાર ૨૦૦ જેટલી એન.જી.ઓ.ને એવોર્ડ તેમજ વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો સાથે સંવાદ યોજવામાં આવશે.

આ ઉપરાંત વાહનમાં નવી ટેકનોલોજી ઉપર સેમિનાર, ઓટોમોબાઇલ ૨૦૨૩નો ગ્લોબલ સ્ટાન્ડર્સ મુજબ પરિસંવાદ, મોટર વાહન વીમા અંગે વિવિધ વર્કશોપ, લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા વાહનોના કાયદા અંગે પ્રેઝન્ટેશન, નેશનલ રોડ સેફટી કાઉન્સિલ અને ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ તેમજ માર્ગ સલામતીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય સચિવશ્રીઓ સાથે બેઠક, સીમ્પોઝિયમ ઓફ સેફર રોડ તેમજ સપ્તાહ દરમિયાન ૫૦૦ જેટલી કોલેજો-શાળાના વિદ્યાથીઓ દ્વારા માર્ગ સલામતીનો પ્રચાર, અકસ્માત બાદ પ્રાથમિક સારવાર, સ્થાનિક શહેરોમાં એફ.એમ. અને ટ્વીટર દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા જેવા વિવિધ કાર્યક્રમો યોજીને ગુજરાત સહિત દેશભરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના વધુ પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતી અંગેની સંસદીય બંધારણીય કમિટિ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને સભ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.