આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને વેક્સિન અપાશે : મનસુખ માંડવિયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Mansukh.jpg)
નવી દિલ્હી, કોરોના મહામારીના ખાત્મા માટે કેન્દ્ર સરકાર સતત વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે. થોડા દિવસો પહેલા જ 100 કરોડ વેક્સિન ડોઝ અપાયાનો રેકોર્ડ સ્થાપિત થયો હતો. વેક્સિનેશન અભિયાનમાં કોઈ બચી ન જાય તે માટે સરકારે હવે આગામી મહિનેથી ‘હર-ઘર દસ્તક’ વેક્સિનેશન અભિયાન શરૂ કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-19 રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટમાં લખ્યું હતું કે, આજે રાજ્યો અને UTsના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી. કોવિડ-19 વેક્સિનેશન, કોવિડ પ્રબંધન તથા PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનને લઈ સાર્થક ચર્ચાઓ થઈ. આગામી એક મહિનો ‘હર-ઘર દસ્તક’ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવશે.
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, દરેક જિલ્લામાં સંપૂર્ણપણે વેક્સિનેશન કરવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બધા દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સંપૂર્ણ વેક્સિનેશન તરફ સાથે મળીને કામ કરીશું. તેમણે જણાવ્યું કે, કોઈ પણ પૂર્ણ વેક્સિનેશન વગર ન રહે. ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં પૂર્ણ વેક્સિનેશનના ઉદ્દેશ્યથી ડોર-ટુ-ડોર અભિયાન અંતર્ગત વેક્સિનેશન માટે આગામી એક મહિનો ‘હર-ઘર દસ્તક’ વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવશે.