આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ઝંપલાવશે

નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી અથવા અમેઠીની કોઈ બેઠક પરથી મેદાનમાં ઝંપલાવી શકે છે. જાે આવુ થાય તો પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય હશે, જે વિધાનસભા ચૂંટણી લડશે. અગાઉ ગાંધી પરિવારના દરેક સભ્યોએ ફક્ત લોકસભા ચૂંટણી લડી છે.
સુત્રોનું કહેવુ છે કે પ્રિયંકાની પ્રથમ પસંદ અમેઠી છે, કારણકે અમેઠી પરથી રાહુલ ગાંધીની હારનો બદલો લેવા માટે અમેઠીમાં લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડશે. જેનાથી સ્મૃતિ ઈરાનીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મ્હાત આપી શકાય. થોડા દિવસ પહેલાં લખનઉમાં થયેલી બેઠકમાં એડવાઈઝરી કમિટીએ પ્રિયંકાને કહ્યું હતુ કે જાે પ્રિયંકા ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તો કોંગ્રેસને યુપીમાં નવી તાકાત મળશે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રિયંકાને સૂચન કર્યુ હતુ કે તેમણે વિધાનસભા ચૂંટણીમાં જાતે મેદાનમાં ઉતરવુ જાેઈએ.
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવા અથવા ના લડવા અંગે કોઈ સંકેત આપ્યા નથી, પરંતુ સુત્રોનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધીની ઓફિસ તરફથી ચૂંટણીની તૈયારીઓનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. જેના માટે રાયબરેલી અને અમેઠીના ડેટા એકત્રિત કરવામાં આવ્યાં છે.
રાજકીય નિષ્ણાંતોનું કહેવુ છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ગાંધી પરિવારનો દબદબો ઘટી ગયો છે.
જ્યારે કોંગ્રેસ ચેરપર્સન સોનિયા ગાંધીનું આરોગ્ય કથળ્યાં બાદ રાયબરેલીમાં પણ ગાંધી પરિવારનો જનતા સાથે સંપર્ક ઘટી ગયો છે. એવામાં જાે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો અમેઠી અને રાયબરેલીના વિસ્તારની જનતાનો સાથ ફરીથી કોંગ્રેસના સંબંધોમાં પ્રાણ પૂરશે. મહત્વનું છે કે, રાયબરેલી અને અમેઠી વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને પ્રિયંકા આ સંબંધોને નબળા પાડવા દેવા માંગતા નથી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદે ઔપચારિક રીતે કહ્યું છે કે UP વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા કોંગ્રેસનો ચહેરો હશે.HS