આગામી વર્ષે 13 હજાર પોલીસ કર્મીઓની ભરતી કરશે રાજ્ય સરકાર
ગાંધીનગર, રાજ્યમાં સરકારી નોકરી માટે મહેનત કરતા યુવાનો માટે આશાની કિરણસમાં એક સારા સમાચાર આવ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી એક બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્યના પોલીસ બેડામાં વધારો કરવા જણાવ્યું હતું.
તેમણે પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે સરકારે સઘન આયોજન કર્યું હોવાનું જણાવ્યુ છે. તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 49 હજારથી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે અને આગામી વર્ષે વધુ 13 હજાર કર્મીઓની ભરતી કરાશે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહ્યુ છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.