આગામી શૈક્ષણિક સત્રથી શાળા શરૂ કરવા સરકારની વિચારણા
ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં, રાજ્ય સરકારને અગાઉ ૨૩મી નવેમ્બરથી ફરીથી શાળાઓ શરુ કરવાના પોતાના ર્નિણયને મુલતવી રાખવાની ફરજ પડી. સરકાર હવે આગામી શૈક્ષણિક સત્રથી ફરીથી શાળાઓ શરુ કરવા અંગે વિચારણા કરી રહી છે. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો, સરકાર નીચલા વર્ગના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના પ્રસ્તાવ પર સક્રિયપણે વિચાર કરી રહી છે. જો કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પ્રોટોકોલ સાથે લેવામાં આવશે તેવી શક્યતા છે.
રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં આ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે રાજ્ય સરકારની કોઈ યોજના નથી. ‘આવી પરિસ્થિતિઓની વચ્ચે સરકાર ફરીથી શાળાઓ ખોલવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર નથી, તેમ અધિકારીઓએ કહ્યું હતું. શહેરો, નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસો સતત વધી રહ્યા છે.
આવી સ્થિતિમાં સરકાર શાળાઓ ફરીથી શરુ કરવા અંગેના કોઈપણ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માગતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દિવાળી પહેલા જે કેસો હતા ત્યાં હજુ પહોંચવામાં છ અઠવાડિયાનો સમય લાગશે, તેમ અધિકારીઓએ કહ્યું હતું. હાલના શૈક્ષણિક વર્ષના અંત પહેલા કોવિડ-૧૯ના કેસોમાં તીવ્ર ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આ શૈક્ષણિક વર્ષના અંત પહેલા રસી ઉપલબ્ધ થવાની પણ શક્યતા નથી. સરકારનું કહેવું છે કે, આવતા શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૧ના ઉનાળુ વેકેશન સુધી શાળાઓ ન ખોલવી જોઈએ’,
તેમ અધિકારીઓએ કહ્યું હતું. વર્ષની અંતિમ પરીક્ષાઓના મુદ્દા વિશે, સરકારના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર પાસે પહેલાથી જ નો-ડિટેન્શન પોલિસી છે. ‘સરકાર માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન પરીક્ષા લેવા માટે મુક્ત છે. અમે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ટેસ્ટ પેપર્સ આપીશું, જેના જવાબ તેમણે ઘરેથી લખવાના રહેશે, તેમ મુખ્ય અધિકારીએ કહ્યું હતું.સરકારનું મંતવ્ય છે કે, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરીને લેવાવી જોઈએ. જો તે સમયે પણ સ્થિતિ ઠીક નહીં હોય તો બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલાઈ શકે છે’, તેમ અધિકારીઓએ કહ્યું હતું.