આગામી સમયમાં માલદીવ કદાચ દરિયામાં ગરક થઈ જશે તેવું મનાય છે
માલદીવ….હિંદ….મહાસાગરમાં આવેલો ટાપુઓના સમૂહ જેવો આ દેશ ભારતનો પાડોશી છે. કોરોનાકાળમાં પૂરા વિશ્વમાં પર્યટન ઠપ હતું ત્યારે વર્ષ ૨૦૨૧માં અહીં ૧૩ લાખ પર્યટકો આવેલા. ૫.૪૧ લાખની વસતી સાથે સૌથી નાનકડા દેશ માલદીવમાં ૧૨૦૦ ટાપુ આવેલા છે.
દૂરદૂર સુધી દરિયાના ભૂરા પાણીથી લેન્ડસ્કેપ જેવા માલદીવમાં જમીન વિસ્તાર માત્ર ૨૯૭ ચોરસ કિલોમીટર છે, અહીંનું પાટનગર ૬.૮ ચોરસ કિલોમીટરમાં પૂર્ણ થઈ જાય છે. સવારે વોકિંગ કરવા નીકળનારા પૂરા શહેરનું ચક્કર લગાવી શકે છે. અહીં વિમાન ઉતરાણ કરતું હોય ત્યારે પાઈલટની કસોટી થાય છે.
એક-એક ઈંચ જમીનમાં ઉપયોગ માપી માપીને કરવામાં આવે છે. માલદીવમાં જુદાં-જુદાં કામ માટે અલગ-અલગ ટાપુનો વપરાશ થાય છે. જેમ કે, બાગ-બગીચા માટે, શાપિંગ માટે, સરકારી કામકાજ માટે અને જેલ માટે જુદા-જુદા ટાપુ છે. લોકો કારને બદલે સ્પીડ બોટ ખરીદવાનું વધુ પસંદ કરે છે.
૧૯૬૫માં અંગ્રેજાેની ગુલામીથી મુક્ત થયેલા માલદીવમાં ૩ વર્ષ રાજાશાહી ચાલેલી. ૧૯૬૮થી અહીં ચૂંટાયેલી સરકાર છે. પર્યટન ઉપર ચાલતા માલદીવને વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ મળેલો છે, કારણ કે પૂરા વિશ્વમાંથી પર્યટકો અહીં ટાપુઓ ઉપર બનેલી વૈભવી હોટેલોમાં રૂપકડા બીચની સેર કરવા આવે છે. અહીં સ્કૂલો, સ્નોરકલિંગ, ઓસન વિલા, વોટર વિલા અને અન્ડરવોટર રેસ્ટોરાંથી લઈ સી પ્લેન જેવાં અનેક આકર્ષણો છે.
દુનિયાના ખૂણેખૂણેથી લોકો અહીં આવે છે, પરંતુ માલદીપ દેશ જ પોતાના માટે નવંુ સરનામું શોધી રહ્યો છે. માલદીવના ૮૦ ટકાથી વધુ કોરલ દ્વીપ સમૂહ સપાટીથી માત્ર એક મીટરની ઊંચાઈ પર છે. દુનિયાભરમાં કોઈપણ દેશની જમીન સપાટી આટલી નીચે નથી, આ જ કારણે આ દ્વીપસમૂહ ઉપર સમુદ્રના વધતા જળસ્તરનો ખતરો એટલો રહે છે કે આગામી સમયમાં માલદીવ કદાચ દરિયામાં ગરક થઈ જશે તેવું માનવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે સમુદ્રની જળસપાટીમાં દર વર્ષે ૩ થી ૪ કિલોમીટરના દરે વધારો થાય છે. આ વધારો ચાલુ જ રહે તેવી ભીતિને પારખીને માલદીવ સરકારે લાંબા સમયથી કૃત્રિમ ટાપુઓના નિર્માણની યોજના બનાવી છે. પાટનગર માલેના એરપોર્ટ પાસે ૧૯૯૭માં બનેલા હુલહમાલે ટાપુની રચના પાણીની અંદરના કોરલ પ્લેટફોર્મ ઉપર થઈ છે.
જેના નિર્માણ માટે સમુદ્રતળથી રેતીને પમ્પ કરવામાં આવી છે. પાટનગર માલેથી બમણો વિસ્તાર ધરાવતા આ કૃત્રિમ ટાપુની ખાસિયત એ છે કે સમુદ્ર સપાટીથી બે મીટરની ઊંચાઈ પર છે. અહીં અત્યારે ૫૦,૦૦૦ લોકો વસે છે. આ ઉપરાંત અન્ય ત્રણ ટાપુને પણ ભવિષ્યના ખતરાને જાેતા વિકસાવવામાં આવ્યા છે.
યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજિક્સ સર્વે અનુસાર વર્ષ-૨૦૫૦ સુધીમાં નીચલી સપાટી ઉપરના ઘણા ટાપુ નિર્જન બની જશે. નાસાના એક રિપોર્ટ અનુસાર માલદીવ માટે કૃત્રિમ ટાપુઓ આશાનું કિરણ છે. માલદીવ આ સિવાયના વિકલ્પ પર વિચાર કરી અન્ય દેશોમાં વસવાટ માટે જમીન ખરીદવા માટે સરકાર તૈયાર છે.
કોઈ દેશ પોતાના માટે બીજા દેશમાં વસવાટ માટે વિચારણા કરતો હોય તેવી આ પ્રથમ ઘટના છે. કૃત્રિમ ટાપુઓ એટલે નવા વસવાટનાં સ્થળો, જ્યાં કુદરત તરફથી સર્જાનારાં જાેખમોનું પ્રમાણ ઓછું હોય, દરિયાઈ તોફાન અને પૂરથી સમુદ્રના તળિયે વિપુલ માત્રામાં ઘન પદાર્થાે જમા થાય છે. આ જ પદાર્થાેનો ઉપયોગ કૃત્રિમ ટાપુઓને વધુ ઊંચાઈ આપવા માટે થાય છે. કુદરત સામે કાળા માથાના માનવીને સંઘર્ષ બહુ અજાયબ છે.