આગામી સમયમાં યોજાનાર તમામ સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રહેશે

file
(પ્રતિનિધિ)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં કોરોનાના વધતા કેસોને ઘ્યાને રાખીને જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે. આ અંગે જિલ્લાના દરેક નાગરિકને નોંધ લેવા જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.
રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને સરકારની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ, આધારકાર્ડ, રેશનકાર્ડ અને અન્ય સરકારી આધાર પુરાવા સરળતાથી મળી રહે તે માટે ગાંધીનગર જિલ્લામાં દર અઠવાડિયે સેવાસેતુ કાર્યક્રમનું તબક્કાવાર આયોજન કરવામાં આવતું હતું.
ગાંધીનગર જિલ્લામાં સાતમા તબક્કા સેવાસેતુ કાર્યક્રમનો આરંભ ઓકટોબર- ૨૦૨૧માં કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષા અને નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ સેવાસેતુ કાર્યક્રમ તબક્કાવાર યોજાઇ રહ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગાંધીનગર જિલ્લા સહિત રાજયભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધુ ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ અગમચેતીના પગલાના ભાગરૂપે આજથી એટલે કે તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૨ બાદ યોજાનાર તમામ સેવાસેતુ કાર્યક્રમ ન યોજાવા માટેની સૂચના સંબંધિત અધિકારીઓને આપી છે. સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રહેવાની નોંધ જિલ્લાના સર્વે નાગરિકને લેવા પણ જણાવ્યું છે.