આગામી ૧૨ મહિનામાં ૮૬૩૯ મકાનો પોલીસ કર્મીઓને અપાશે
પોલીસ કર્મીઓની રજૂઆત સાંભળી તાત્કાલિક નિરાકરણ લાવવા રાજ્ય પોલીસ વડાની સૂચના
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત પોલીસનાં ગ્રેડ પે વધારો કરવાનાં આંદોલન અનુસંધાને રાજ્ય પોલીસે ખોટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાઈરલ કરનાર તથા કોમેન્ટ કરનાર શખ્સો સામે કડક પગલાં લઇને કુલ ૫૭૧ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
અને રાજ્યભરમાં પોલીસ કર્મી તથા અન્ય વ્યક્તિઓ સામે કુલ ૧૯ ફરીયાદો નોંધવામાં આવી છે. આ સંદર્ભે ૨૫ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
બીજી તરફ આંદોલનનાં બાદ રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયાએ તમામ એકમોનાં વડાઓને પોલીસ કર્મચારીઓની રજુઆતો હોય તો તેને સાંભળીને શક્ય એટલાં તાત્કાલિક પગલાં લેવાં પણ સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગનાં કર્મચારીઓના પ્રશ્નો તથા મુશ્કેલીઓનાં નિરાકરણ માટે પોલીસ દાદ-ફરીયાદ નિવારણ સમિતિ જેવી જાેગવાઈઓ અગાઉથી અમલમાં છે જ.
જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં હાલ સુધી ૨૯૯ દાદ-ફરીયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત પોલીસ દળના જવાનોની રજુઆતોનાં યોગ્ય નિરાકરણનાં હેતુથી આ જવાનો સાથે પોલીસ કમિશનર, રેન્જ વડા, પોલીસ અધિક્ષક તથા સેનાપતિ સ્તરનાં અધિકારીઓ દ્વારા પણ ૩૫૨૧ મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય પોલીસ દ્વારા ગ્રેડ પેને લઈને થોડાં દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા ઉપર આંદોલન છેડવામાં આવ્યું હતું. આ આંદોલનમાં ખુદ પોલીસ કર્મીઓ સીધી રીતે જાેડાઈ ન શકતા તેમનાં પરીવારજનોએ રાજ્યનાં મોટાં શહેરોમાં શાંતિપૂર્ણ આંદોલન કર્યા હતા. જેનો પડઘો હવે પડી રહ્યો છે તેમ લાગી રહ્યું છે. અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓને રાજ્યભરમાં કુલ ૮૬૩૮ મકાનો સોંપવામાં આવશે.
હાલમાં પોલીસ કર્મીઓને ભાડામુક્ત રહેઠાણની સુવિધા પુરી પાડવામાં આવે છે. રાજ્યનાં તમામ કર્મીઓને આ રહેવા મકાન તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યારે બી કક્ષાનાં કુલ ૧૦૪ મકાન કર્મચારીઓને સોંપી દેવાયા છે.
જ્યારે બાર માસમાં કુલ ૮૬૩૮ બી કક્ષાનાં ઉત્તમ સગવડવાળા મકાનો તૈયાર કરીને રાજ્યભરનાં કર્મીઓને સોંપવાનું આયોજન કરાયું છે. તેમજ પહેલાંની સરખામણીએ આવનારા સમયમાં તેમની ડીઝાઈનમાં પણ સુધારો કરી બે રૂમવાળાં મોટા મકાન આપવામાં આવશે.