આગામી ૧૫ જુલાઈ સુધી જમાલપુર માર્કેટ બંધ રહેશે
અમદાવાદ, અમદાવાદમાં લોકડાઉન શરૂ થયાં બાદ જમાલપુરનું શાકમાર્કેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ તેને જેતલપુર એપીએમસી ખાતે ખસેડવામાં આવ્યું હતું. પણ હજુ પણ અમદાવાદમાં કોરોના મહામારીના કેર વચ્ચે વેજીટેબલ કમિશન એજન્ટ એસોસિયેશને મોટી જાહેરાત કરતાં નિર્ણય કર્યો છે કે, આગામી ૧૫ જુલાઈ સુધી જમાલપુર માર્કેટ બંધ રહેશે.
વેજીટેબલ કમિશન એજન્ટ એસોસિએશને એએમસી અને પોલીસ સાથે બેઠક બાદ જમાલપુર માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં કોરોનાનો કહેર વધતાં જમાલપુરનું માર્કેટ જેતલપુર ખાતે શિફ્ટ કરવામાં આવ્યું હતું. અને ૯ જુલાઈથી જમાલપુર માર્કેટ ફરીથી શરૂ કરવાનું હતું. પણ આ વચ્ચે જ હવે ૧૫ જુલાઈ સુધી જમાલપુર માર્કેટ બંધ રહેશે.
અમદાવાદ વેજીટેબલ જનરલ કમિશન એજન્ટ એસોસિએશન કારોબારી સભ્યે જણાવ્યું કે, કોરોના વોરિયરની જેમ જ અમે નાગરિકોને શાક પહોચાડ્યું છે. ૫ એપ્રિલના રોજ કોરોના સંક્રમણ વધ્યું હતું, જે સ્થળ બદલીને જેતલપુર માર્કેટ લઈ ગયા હતા. ૯ જુલાઈના રોજ જમાલપુર માર્કેટ શરૂ થવાનું હતું પરંતુ અમુક કારણોસર થયું નથી. સરકારને અમે હંમેશા સપોર્ટ આપ્યો છે અને અમે સરકારને સપોર્ટ કરીશું. ૨૮ જૂનના રોજ ફરી જમાલપુરમાં કોર્પોરેશન સાથે મીટિંગ થઈ હતી. પોલીસ અને અમ્યૂકોએ જે નિર્ણય લીધા છે એને અમે સપોર્ટ કર્યું છે. ૧૫ જુલાઈ સુધી માર્કેટ બંધ રહેશે એમો પુરવઠો પૂરો પાડવાનું કામ સરકારનું છે.