આગામી ૨-૩ દિવસમાં ચોમાસું કેરળ પહોંચવાની આગાહીઃ હવામાન વિભાગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/delhi-rain.jpg)
નવીદિલ્હી, આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. અગાઉ, ભારતીય હવામાન વિભાગે પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતી તોફાન ‘આસાની’ની અસરને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી હતી.
આગાહીમાં ચાર દિવસની ‘મોડલ’ ભૂલ હતી. વિભાગે જણાવ્યું હતું કે, “હવામાન સંબંધિત નવા સંકેતો મુજબ, પશ્ચિમી પવનો દક્ષિણ અરબી સમુદ્રના નીચલા સ્તરોમાં તીવ્ર બન્યા છે. સેટેલાઇટ તસવીરો અનુસાર કેરળનો તટ અને તેની નજીકનો દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર વાદળછાયું છે. આથી આગામી બે-ત્રણ દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
ચોમાસું ૧૬ મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું, તે સમય કરતાં ઘણું આગળ હતું અને ચક્રવાતની બાકી રહેલી અસરને કારણે, તે આગળ વધવાની ધારણા હતી. યુકે સ્થિત યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધક અક્ષય દેવરાસે ટિ્વટર પર જણાવ્યું હતું કે, “ચોમાસું હવે કેરળના અક્ષાંશ પર પહોંચી ગયું છે. જાે કે, રાજ્યમાં વરસાદ હજુ ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવા યોગ્ય નથી.
વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ અને લક્ષદ્વીપમાં હળવા/મધ્યમ વરસાદ અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવા/મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના દૂરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.HS1