આગામી 6 મહિનામાં બેંકોના ફસાયેલા રૂપિયામાં થશે નોંધપાત્ર વધારો: રાજન
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેંકોના ફસાયેલા રૂપિયા એટલે કે NPAને લઈને ચેતવણી આપી છે. આગામી 6 મહિનામાં બેંકોના ફસાયેલા રૂપિયામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે. RBIના પૂર્વ ગવર્નરે આવી આશંકા વ્યક્ત કરી છે. રાજને જણાવ્યું કે, “સમસ્યાને જલ્દી ઓળખી લેવી યોગ્ય રહેશે. કોરોના અને તેના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનની કંપનીઓ પર નકારાત્મક અસર પડી છે. જેનાથી અનેક કંપનીઓ સમક્ષ લોનના હપ્તા ભરવાની સમસ્યા સર્જાઈ રહી છે.”
રાજને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઈકોનૉમિક રિસર્ચ દ્વારા આયોજિત “ઈન્ડિયા પૉલિસી ફોરમ-2020”ના એક સત્રમાં જણાવ્યું કે, “જો આપણ વાસ્તવમાં NPAના વાસ્તવિક સ્તરને ઓળખવામાં વિલંબ કરીશું, તો આગામી 6 મહિનામાં NPAનું સ્તર ખૂબ જ વધી જશે. આપણા માટે સમસ્યાને જેમ બને તેમ જલ્દી ઓળખી લેવામાં આવે, તે જ શ્રેષ્ઠ રહેશે. આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત છે. ”
મંગળવારે છપાયેલા વડાપ્રધાન મોદીની આગેવાનીમાં આર્થિક સુધારા પર એક લેખનો ઉલ્લેખ કરતાં રાજને જણાવ્યું કે, “આ લેખમાં જનધન ખાતાની સફળતાની વાત કરવામાં આવી છે. જો કે કેટલાક અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય તેનાથી એકદમ અલગ છે. જનધન ખાતાનો જેટલો પ્રસાર-પ્રચાર કરવામાં આવ્યો, તેટલું તેણે કામ નથી કર્યું.”
જો કે રાજને કોરોના કાળમાં પણ ભારતીય કૃષિ ક્ષેત્રએ અર્થ વ્યવસ્થાને જાળવી રાખી હોવાનું જણાવ્યુ છે. તેમણે મોદી સરકારને કામોમાં સુધારો કરવાની સલાહ આપતા જણાવ્યું કે, લાંબા સમય સુધી સુધારાને વધારવામાં આવવા જોઈએ.