આચાર્યદેવ શ્રીમદ્રિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા નિકળી
(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, આચાર્યદેવ શ્રીમદ્રિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પાલખી યાત્રા નિકળી ગુરૂવારે સવારે નિકળી હતી. સવારે 8 કલાકે પાલખી ચઢાવા સમયે મોટી સંખ્યામાં જૈન સમુહદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૧૩ નવેમ્બર, 2019 ના રોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. તેઓ છેલ્લા ૭-૮ દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા. અંતિમ દર્શન માટે મ.સા.ના પાર્થિવ દેહને ઓપેરા જૈન સંઘમાં લઇ જવાયો હતો, જ્યાં તેઓ ચાતુર્માસ માટે રોકાયા હતા. ગચ્છાધિપતિ ભગવંતની પાલખી યાત્રા ઓપેરા જૈન સંઘ, પાલડી ખાતેથી નીકળી હતી
પુજ્ય આચાર્ય ભગવંત શ્રી જયઘોષ સુરિજીનો અનોખો પરિચય પુજ્યશ્રીનો જન્મ મુંબઈમાં શ્રી મફતલાલના શ્રાવિકા શ્રીમતી કાંતાબેનની કુક્ષીએ સંવત 1992 અષાઢ વદ બીજના રોજ થયેલ. સંસારી નામ જવાહરલાલ હતું. શ્રી ભુવનભાનુ સુરીજીએ સંવંત 2006 વૈશાખ વદ છઠના રોજ મુંબઈમાં,ભાયખલમાં પિતા પુત્રની જોડીને દિક્ષા આપેલ.
પુજ્યશ્રીએ ખુબજ ઉંડો શાસ્ત્ર અને આગમ અભ્યાસ કરેલ.શ્રી પ્રેમસુરિજીએ,અને શ્રી ભુવનભાનુ સુરીજીએ પણ કમ્મપયડી,પંચસંગ્રહ, પ્રાચીન-નવ્ય તર્કશાસ્ત્ર,નય, પ્રમાણ, નિક્ષેપા,ઓઘ નિર્યુક્તિ,ઉત્સર્ગ માર્ગ,અપવાદ માર્ગ, શ્રી નિશીથ સુત્ર, શ્રી બૃહદ કલ્પ,વ્યવહાર- પ્રાયશ્ચિતના છેદ સુત્ર વિગેરે સાંગોપાંગ ભણાવેલ.
તેઓશ્રીની વિદ્વતા જોઈને શ્રી પ્રેમસુરિજી એટલા પ્રભાવિત હતા કે કર્મ,આચાર વિગેરે બાબતોમાં શ્રી જયઘોષ વિજયજીની સલાહ લેવાનું કહેતા. એટલુ જ નહીં પણ અંત સમયે સમુદાયને હિતશિક્ષા આપેલ કે: આગમના વિષયમાં શ્રી જયઘોષ વિજયજીની સલાહ લેવી.
આમ તેઓ ગીતાર્થ સાધુ તરીકે પ્રતિષ્ઠા પામેલા.પુજય શ્રી જીવંત જ્ઞાન ભંડાર તરીકે ઓળખાતા. પુજ્યશ્રીએ નુતન કર્મ સાહિત્યની રચના કરેલ.
40,000 થી વધુ શ્લોક પ્રમાણ સાહિત્ય સર્જન કરેલ. સાવ નિરાભિમાની, એકાંત પ્રિય,અને અભ્યાસ પ્રિય હતા.છાપા- ચોપાનિયાંમાં લખીને કીર્તિ મેળવવાનો શોખ ન હતો.
શ્રી જયઘોષ વિજયજીની યોગ્યતા જોઇને શ્રી રામચંદ્ર સુરિજીએ સંવત 2034 વૈશાખ સુદ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભુષિત કરેલ.ત્યાર બાદ સંવત 2040 મહાસુદી તેરશના રોજ જલગાંવમાં આચાર્ય પદવી થયેલ.(યોગાનુયોગ એજ દિવસે રાજસ્થાનમાં ભાન્ડવપુરમાં ત્રિસ્તુતિક ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સુરિજીની પણ આચાર્ય પદવી થયેલ.)સાથે સાથે સિધ્ધાંત દિવાકરની પદવી પણ અપાયેલી.
36 વર્ષ આચાર્ય પદ પર્યાય,અને 70 વર્ષનું સંયમપાળીને ગચ્છાધિપતિ શ્રી જયઘોષસુરિજી મહારાજા અમદાવાદમાં સંવત 2076 કારતક વદી એકમને દિવસે કાળધર્મ પામેલા.ગચ્છાધિપતીશ્રી જયઘોષ સુરિજી મહારાજાના ચરણોમાં અનોખી શત્ શત્ વંદના.