Western Times News

Gujarati News

આછવણી પ્રગટેશ્વરધામના શિવભક્‍ત ધર્માચાર્ય પૂ. પરભુદાદાના ૮૧મા જન્‍મદિવસની ઉજવણી

સોશિયલ ડીસ્‍ટન્‍સના પાલન સાથે શિવપરિવાર અને બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ

વલસાડઃ તા. ૧૨: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વરધામના શિવભક્‍ત પરમપૂજ્‍ય ધર્માચાર્ય શ્રી પરભુદાદાના ૮૧મા જન્‍મદિવસના પાવન અવસરને ધર્મચિંતન મહોત્‍સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. શિવપરિવાર દ્વારા કોરોના વાઇરસની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સોશિયલ ડિસ્‍ટન્‍સના પાલન સાથે આ ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવી હતી. આ અવસરે પરભુદાદા, તેમના પરિવારજનો પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરવામાં આવ્‍યો હતો.

વિશ્વપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્‍લએ જણાવ્‍યું હતું કે, બ્રહ્માજીએ જ્‍યારે સૃષ્‍ટિનું નિર્માણ કર્યું  ત્‍યારે ભગવાન શિવના આદેશ હતો કે, પૃથ્‍વી ઉપર એક એવું વ્‍યક્‍તિત્‍વ બનાવો, કે જેને મારે પણ યાદ કરવું પડે, તેવું વ્‍યક્‍તિત્‍વ આ પરભુદાદા છે. લોકડાઉનના સમયમાં બ્રાહ્મણો અને ગરીબોને ગુપ્‍ત રીતે અન્ન દાન આપનારા પરભુદાદાએ સાચાઅર્થમાં ધર્માચાર્યનું પદ સાર્થક કરી બતાવ્‍યું છે. તેમણે તેમના અનુભવનું વર્ણન કરતાં  જણાવ્‍યું હતું કે, યુગાન્‍ડામાં મારી કથા દરમિયાન ભારતમાં લોકડાઉન થવાનું છે, તેવા સમાચાર મળતાં મને મારા દેશમાં જવાશે કે કેમ તેની ચિંતા હતી, ત્‍યારે મેં  પ્રગટેશ્વરદાદાને યાદ કર્યા અને તે જ દિવસે મને ત્‍યાંથી ભારત આવવાનો મોકો મળ્‍યો, અને હું જે પ્‍લેનમાં આવ્‍યો હતો એ લોકડાઉન પહેલાંનું છેલ્લું પ્‍લેન હતું. ભક્‍તના રૂપમાં ભગવાનસ્‍વરૂપે આપણને પરભુદાદા મળ્‍યા છે, જો તેઓ આપણી સાથે હોય તો બીજી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ થોડી સાવચેતી રાખવાની જરૂર હોવાનું વધુમાં જણાવ્‍યું હતું.

ધર્માચાર્ય પ.પૂ. પરભુદાદાએ તેમના જન્‍મદિને શુભેચ્‍છા આપનારાઓને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, બ્રાહમણો પણ ભગવાનનું જ રૂપ છે, તેમના દર્શનથી આપણું જીવન ધન્‍ય બનશે. હું કંઇ કરતો નથી, પણ ભગવાન શિવની કૃપાથી જ અહીં બધું શકય બને છે. સ્‍વયં થાય તે જ સત્‍ય છે તેમ સૌના સહકારથી જ અહીં બધાના કાર્યો પાર પડે છે. ભગવાન શિવ સૌનું કલ્‍યાણ કરી એવી પ્રભુ પ્રાર્થના સાથે તેમણે સૌને સુખી જીવનના આશીર્વાદ પાઠવ્‍યા હતા.

કથાકાર મેહુલભાઇ જાનીએ જણાવ્‍યું હતું કે, ભગવાન શિવની દૃષ્‍ટિ જેમના ઉપર છે, જેમનું જીવન પૂર્ણાંક છે, તેવા પરભુદાદાએ બ્રાહ્મણો પ્રત્‍યે લાગણી રાખી મુશ્‍કેલીના સમયમાં પ્રેમરૂપી દક્ષિણા આપી છે, જે બદલ સમસ્‍ત બ્રહ્મ સમાજ તેના ઋણી રહેશે. વર્તમાન સમયમાં વિવેકપૂર્ણ વાણી જરૂરી છે, જે પ્રગટેશ્વરધામમાં હંમેશા જોવા મળે છે.

કથાકાર ભાસ્‍કરભાઇએ ૮૧મા જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, ધર્માચાર્ય પરભુદાદાએ દરેક દિશામાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજતો કર્યો છે. પ્રગટ પ્રગટેશ્વરધામના પ્રમુખ બીપીનભાઇ પરમારે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્‍યું હતું કે, બીજાના સુખમાં જ પોતાનું સુખ છે, એવી સદભાવના સાથે એક પિતા સબ પરિવારના સૂત્ર સાથે નિઃસ્‍વાર્થ સેવા કરનાર ધર્માચાર્ય  પરભુદાદા ખરેખર ધર્મની જ્‍યોત પ્રગટાવી રહયા છે.

મહારાજ ઋષિકેશબાપુએ જણાવ્‍યું હતું કે, દરેક માનવનો જન્‍મ ધર્મનું ચિંતન કરવા માટે  થયો છે.  ધર્મને કોઇના સહારાની જરૂર નથી તેમ જણાવતાં  સતત જે વ્‍યક્‍તિ ધર્મનો વિચાર કરી રહયા છે, તે આ પૂજ્‍ય પરભુદાદા હોવાનું જણાવ્‍યું હતું. ધર્મ સિવાય કોઇ કાર્ય નથી તેવા ધર્મચિંતકો આ દુનિયામાં છે, ત્‍યાં સુધસ કોઇએ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ગોર મહારાજ અનિલભાઇએ જણાવ્‍યું હતું કે, ધર્મના પ્રચાર માટે સતત કાર્યરત એવા પરભુદાદાને બ્રાહ્મણો પ્રત્‍યે વિશેષ લાગણીછે, જેનો અમે પ્રત્‍યક્ષ અનુભવ કર્યો છે.

ઝીકુભાઇએ જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, ધર્માચાર્ય પૂ.પરભુદાદાનું જીવન ધુપસળી જેવું છે, તેઓ પોતે કષ્‍ટ વેઠીને બીજાને સુખ અને શાંતિનો અનુભવ કરાવી રહયા છે.

મંદિરના પૂર્વ પ્રમુખ મયંકભાઇ બ્રહ્મભટ્ટે પ.પૂ. પરભુદાદાના જન્‍મદિવસ અવસરે જણાવ્‍યું હતું કે, તેમણે જીવનમાં શરૂઆતથી જ શિક્ષણની સાથે ર્મની જાગૃતિ માટે અનેક કાર્યો કર્યા છે. સમાજમાંથી દૂષણો દૂર કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. જાહેર હિત માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂ.પરભુદાદાએ અનેક સ્‍થળોએ યજ્ઞો કરી ધર્મના પાયાના સિદ્ધાંતનો પરિચય સૌને કરાવ્‍યો છે.

ધર્માચાર્ય પરભુદાદાના પુત્રી સીતાબેન પટેલે પોતાનું સારું પુણ્‍ય હોય તે માતા-પિતાના ચરણોમાં વંદન કરીને દાન કરવાની ભાવના સાથે જણાવ્‍યું હતું કે, જગતના પિતા જેના માટે દોડી આવે છે એવી વિશ્વની પવિત્ર આત્‍મા અને ત્રણેય લોકમાં પોતાની ઓળખાણ બનાવી છે, જેને સંત મહાત્‍મા પરબ્રહ્મનો અંશ કહે છે, ભૂદેવોએ બજરંગદાસ કહયા છે, કળિયુગમાં ધર્મની સાચવણી કરી રહયા છે, શિષ્‍યો ઉપર મમતા વરસાવનારા, બ્રહ્માંડમા માલિક પણ જેને નમન કરે છે અને જેમનામાં મારી બધી ખુશીઓ સમાઇ છે તેઓ મારા પિતા છે, જે મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

પ્રગટેશ્વર ધામના મંત્રી ગોપાળભાઇ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્‍યું હતું કે, ૨૦૧પમાં સાગરાનંદ સ્‍વામીજીના હસ્‍તે તામ્રપત્ર એનાયત કરી ધર્માચાર્યનું બિરુદ આપ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.