આછોદ ગામે રેલી કાઢ્યા બાદ આમોદ આવી મામલતદારને આવેદનપત્ર આપ્યું

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આછોદ ગામે પ્રચંડ વિરોધ: મોટી મસ્જીદ થી ગામના પાદર સુધી વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે રેલી કાઢી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.
ભરૂચ,: દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમોદ તાલુકાના આછોદ ગામે આજે જુમ્માની નમાઝ બાદ આછોદની મોટી મસ્જીદથી હાથમાં વિવિધ સૂત્રોના પ્લેકાર્ડ તેમજ બેનર સાથે ગામલોકોએ મોટી સંખ્યામાં ભેગા મળી ગામના પાદર સુધી રેલી કાઢી હતી અને સીએએ,એનપીઆર તથા એનઆરસી નો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આછોદ ગામના પાદરમાં એક સભાના રૂપમાં આ કાયદાની ભયાનકતા વિશે લોકોને લોક સરકારના પ્રમુખ જકવાન જાલ તરફથી સમજૂતી આપવામાં આવી હતી. અને જણાવવામાં આવ્યું હતું કે વિવિધતામાં એકતામાં માનનારો આ દેશ છે જેમાં ધર્મના આધારે આ દેશમાં કાયદો લાગુ પાડી શકાય નહીં.ત્યાર બાદ આછોદ ગામે સભા પૂર્ણ થયા બાદ આમોદ ખાતે મામલતદાર ડૉ.જે એન પટેલને આવેદનપત્ર આપવા માટે આછોદ ગામના સરપંચ સહિત ગામના દરેક સમાજના અગ્રણીણો જોડાયા હતા.
આવેદનપત્રમા જણાવ્યા મુજબ નાગરિકતા સંશોધનનો આ કાયદો ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોની વિરુધ્ધ છે.હાલની કેન્દ્ર સરકાર સત્તાના નશામાં ફરી આ દેશને વિદ્રોહ ,વિગ્રહ અને અંધાધુની તરફ લઈ જઈ રહી છે.આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓએ સતત કુરબાનીઓ આપી આપણને એક મજબૂત દેશ અને મહાન બંધારણ આપ્યું છે.તેની રક્ષા કરવા ભારતીયો કટિબધ્ધ છે.