આછોદ ગામ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત
વૃક્ષ સાથે ઈકો ગાડી ભટકાતા બે ભાગ થઈ ગયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકાના આછોદ ગામ પાસે રાત્રીના સમયે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં વૃક્ષ સાથે ભટકાઈ હતી અને કારના બે ભાગ થઈ ગયા હતા.જોકે કોઈ જાનહાની થઈ નહોતી અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે યુવાનોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
દહેજ ગામના બે યુવાનો દુકાનનો માલસામાન લેવા માટે વડોદરા જિલ્લામાં આવેલા વડુ ગામે ગયા હતા.જ્યાંથી પરત ફરતી વખતે રાત્રીના સમયે આછોદ ગામ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડ સાઈડ ઉપર વૃક્ષ સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બે ભાગ થઈ ચીંથરે હાલ થઈ ગયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિઓને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.આમોદ પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીએ ફરિયાદ કરવાની ના પાડી હતી.