આજથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ, કોર્ટમાં પ્રવેશનાર તમામનું થર્મલ ગનથી ચેકિંગ
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન સાથે કોર્ટ કાર્યવાહી ફરી પૂર્વવત થઈ છે. હાઇકોર્ટમાં પ્રવેશ કરનાર વ્યક્તિનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિએ હાઇકોર્ટમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની માંગ કરાઇ હતી. જ્યાર બાદ આજથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાઈ છે. કોરોનાને કારણે ઘણાં લાંબા સમયથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હતી. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા ઓનલાઇન સ્ટ્રીમિંગ પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અંગે વિચારણા ચાલી રહી હતી જેમાં ૧૭મી ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ૩૧મી જુલાઇના રોજ એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે કહ્યું હતું કે, ૧૭મીથી હાઇકોર્ટની પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની પહેલી લહેરના કારણે માર્ચ-૨૦૨૦થી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ કરાઇ હતી અને તમામ ખંડપીઠો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે.
અગાઉ લાંબા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાંક વકીલોએ વારંવાર તેમની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ જુદી જુદી બેઠકો યોજીને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી છે.
ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ચીફ જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે અરજીઓ પણ કરી હતી. પરંતુ તેમણે હાઈકોર્ટની કાર્યવાહીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જાે ૨૮ જુલાઈ સુધીમાં કોર્ટમાં સુનાવણી ન થાય તો તે સામે ધરણાં કરવામાં આવશે તેમજ કોર્ટના તમામ ઓફિશિયલ કાર્યક્રમોમાંથી બોયકોટ કરવામાં આવશે.