Western Times News

Gujarati News

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ-અમદાવાદમાં ભદ્રકાળીના દરવાજા ભક્તો માટે ખુલ્લા

કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મંદિર પ્રશાસન દ્વારા માતાજીના દર્શને આવનાર ભક્તોને ભીડ નહિ કરવા કહ્યું

અમદાવાદ, કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને વધતા કેસો આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. તેવામાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી માં આદ્યશક્તિ આરાધનાના આ પર્વમાં મંદિરોમાં ભીડ ન થાય તે જરૂરી છે. ત્યારે અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના મંદિરે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મંદિર પ્રશાસન દ્વારા માતાજીના દર્શને આવનારા ભક્તોને ભીડ નહિ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. ઘણા મંદિરોએ થતી ભક્તોની ભીડને જાેતા મંદિર દર્શનાર્થીઓના દર્શન માટે બંધ કર્યા છે.

જાેકે, ૧૩ એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદના નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ખાસ આયોજન નવરાત્રીને લઈ કરવામાં આવ્યું છે. ભદ્રકાળી મંદિરના મહારાજ રવિ અવસ્થિ જણાવે છે કે, ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે. આઠમના દિવસે હવન કરવા આવશે.

આ ઉપરાંત નવ દિવસ સુધી અલગ અલગ સવારી સાથે માતાજીનો શૃંગાર કરવામાં આવશે. નવરાત્રીને લઈ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જે પણ લોકો દર્શનાર્થે આવશે તેઓએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દર્શનાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોઈએ ભીડ કરવાની નથી. દર્શન કરી તરત નીકળી જવાનું રહેશે. લોકો નિયમોના પાલન સાથે સવારે ૬થી રાત્રે ૮ સુધી દર્શન કરી શકશે. પ્રથમ નોરતે સવારે સાડા નવ વાગે ઘટ સ્થાપન છે. સવારે ૧૦ વાગે આરતી થશે. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના મંદિરે ઘટ સ્થાપન થશે. મહત્વનું છે કે, સામાન્ય દિવસોમાં ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં નવ દિવસ સુધી ભક્તો ભદ્રકાળી માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ કોરોનાના કારણે ભક્તો માટે કેટલાક નિયમો લાગુ કરાયા છે. જે પાલન કરવા જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.