Western Times News

Gujarati News

આજથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ

ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો પ્રારંભ થશે

13 ઓગસ્ટથી 2 ઓક્ટોબર, 2021 સુધી ગુજરાતના દરેક 33 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

યુવા બાબતો અને રમત મંત્રાલય ‘આઝાદી કા અમૃત મહોત્સવ- ભારત@75’ ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર 13 ઓગસ્ટ, 2021ના ​​રોજ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 શરૂ કરશે. આ પહેલ દ્વારા ગાંધી જયંતિ બીજી ઑક્ટોબર સુધી સમગ્ર ભારતમાંથી 7.50 કરોડથી વધુ યુવાનો અને નાગરિકો દોડમાં ભાગ લેવા પહોંચશે.

આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને પોરબંદરથી આવતીકાલે શુભારંભ થશે.

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, ગુજરાત દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં આવતીકાલે સવારે 9:00 કલાકે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ અને યુવક વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી સુશ્રી મંદાબેન પરીખ, સાબરમતી આશ્રમના ડાયરેકટર શ્રી અતુલ પંડ્યા અને

અમદાવાદના એસડીએમ (પ્રાંત અધિકારી) શ્રી જે.બી. દેસાઈની ઉપસ્થિતિમાં અમદાવાદથી આ કાર્યક્રમનો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલ યુવાનો-સ્વયંસેવકો, યુવકમંડળ/યુવતી મંડળના સભ્યો અને રમતગમત વિભાગ અમદાવાદના ખેલાડીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં 75 યુવાનો દ્વારા રાષ્ટ્રગાન ગાવામાં આવશે

અને સાબરમતી આશ્રમથી ઇન્કમ ટેક્ષ સર્કલ સુધી દોડનું આયોજન કરવામાં આવશે સાથે જ આઝાદીનું મહત્વ અને જીવનમાં વ્યાયામ અને સ્વસ્થ જીવન શૈલીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. રમત ગમત અને શારીરિક વ્યાયામને યુવાનો પોતાના રોજિંદા જીવનમાં અપનાવે એવી ભાવના કેળવાય તેવો કાર્યક્રમનો ઉદ્દેશ છે. કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કરવામાં આવશે.

પોરબંદરમાં યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી દોડ (Freedom Run) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પોરબંદરનાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, વિધાનસભા સદસ્ય અને પોરબંદરનાં SDM સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહેશે.

પોરબંદર જિલ્લા યુવા અધિકારીશ્રી મેઘા સનવાલનાં નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમ પોરબંદરમાં કીર્તિમંદિરથી સવારે 7:30 કલાકે શરુ થશે. કાર્યક્રમ અંતર્ગત યુવાનો દ્વારા કીર્તિમંદિરનાં પ્રાંગણમાં રાષ્ટ્રગાન ગાવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી લઈને ચોપાટી મેદાન સુધીની દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં NSSનાં યુવાનો પણ પોતાની હાજરી આપશે. આ કાર્યક્રમ કોરોનાની માર્ગદર્શિકા અનુસાર પૂર્ણ કરવામાં આવશે.

આણંદમાં પણ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ આનંદના માનનીય કલેક્ટર શ્રી, નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ગાંધીનગરના યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિયામક શ્રીમતી મનીષા શાહની ઉપસ્થિતિમાં સવારે 8:00 કલાકે આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલના સ્મારકથી થશે.

કાર્યક્રમ અંતર્ગત કરમસદ સ્થિત સરદાર પટેલ સ્મારકથી લઇને સરદાર પટેલ સ્કુલથી લઇને સરદાર પટેલ સાહેબના ઘર સુધી એક દોડનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ગાંધીનગરના યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિયામક શ્રીમતી મનીષા શાહના માર્ગદર્શન હેઠળ શ્રી અક્ષય શર્મા,જિલ્લા યુવા અધિકારી તેમજ શ્રી સંજય પટેલના નેજા હેઠળ કાર્યક્રમમાં NSSના તથા નેહરુ યુવા કેન્દ્ર-આણંદ સાથે જોડાયેલ 75 યુવાનો ભાગ લેશે.

આ વખતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેમ કે રોજિંદા જીવનની દોડ અને રમતો અને સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી છુટકારો મેળવવો. આ અભિયાન દ્વારા “फिटनेस की डोज आधा घंटा रोज” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે કહેવામાં આવશે. આ કાર્યક્રમો કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.