આજની યુવા પેઢીએ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે :રાજયપાલ આચાર્ય દેવવ્રત
આણંદ: ગુજરાતના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં રાસાયણિક ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થઇ છે અને માનવજીવન સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેમણે આ પડકારોનો સામનો કરવા માટે યુવા પેઢીને પ્રવૃત્ત થવા અનુરોધ કરી જણાવ્યું હતું કે, કૃષિ સ્નાતકો પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૬મા પદવીદાન સમારોહમાં ૯૯ વિદ્યાર્થીઓને સુવર્ણપદક-રોકડ પુરસ્કાર, કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૭૧૯ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને ખેતી અને શિક્ષણથી અલિપ્ત ન રહેતા આજીવન શિક્ષણ અને ખેતી સાથે જોડાયેલા રહી વિદ્યાર્થી બની રહેવા કહ્યું હતું.
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઓછી થઇ રહી છે તે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનું કામ પ્રાકૃતિક સંસાધનો કરે છે તેમ જણાવી કૃષિ સ્નાતકોએજે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે યુનિવર્સિટી સુધી સીમિત ન રાખતાં માનવકલ્યાણ માટે તેનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી.
રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય બોલવા અને ધર્મનું આચરણ એટલે કે જે ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ નાનામા નાના માણસ સુધી પહોંચાડી કર્તવ્યપાલન કરવા જણાવ્યું હતું.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ ખેતી-હવા-પાણી અને પર્યાવરણને બચાવવા આજની યુવા પેઢીને હાંકલ કરી પર્યાવરણને સ્વચ્છ રાખીએ તો માનવજીવન પણ તંદુરસ્ત બનશે તેમ કહ્યું હતું.
રાજયપાલશ્રીએ પોતાના સ્વાનુભાવો વર્ણવતાં રાસાયણિક ખાતરના કારણે ખેતી ખર્ચ વધુ આવે છે જયારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવતો હોવાથી આવકમાં વધારો થતો હોઇ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી તેઓની આવક બમણી કરી શકે છે તેમ જણાવ્યું હતું.રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ હિમાચલ પ્રદેશમાં આજે ૫૦ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હોવાનું જણાવી આજે ગુજરાતમાં પણ ૨૫ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને આ પ્રયોગની શરૂઆત કરવામાં આવી હોવાનું કહ્યું હતું.
રાજયપાલશ્રીએ પર્યાવરણ-જલવાયુમાં આવી રહેલ પરિવર્તન અંગે ચિંતા વ્યકત કરી આજની યુવા પેઢીને પર્યાવરણ પ્રતિ જાગૃત થઇ લોકકલ્યાણ માટે ગુણવત્તાયુકત ખેતી કરવા માટે ગંભીરતાથી વિચારવાનો અનુરોધ કર્યો હતો.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ સુવર્ણ ચંદ્રક અને પદવીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી લોકકલ્યાણ અને માનવજીવનના ઉત્થાન માટે કાર્ય કરતા રહેવાની સાથે માતા-પિતા-ગુરૂ અને રાષ્ટ્રનું નામ રોશન કરી કૃષિ વિકાસમાં ભાગીદાર બનવા શુભકામનાઓ પાઠવી હતી.
કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જળચંચય માટે જાગૃતતા લાવવા માટે પર ડ્રોપ મોર ક્રોપનો સંકલ્પ કર્યો હતો તે વાત યાદ કરીને ગુજરાત રાજયએ સૂક્ષ્મ પિયત પધ્ધતિના અમલમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે જે પ્રતિ ગૌરવની લાગણી વ્યકત કરી હતી. શ્રી પરમારે રાજય સરકારે પાણીના તળ ઉંચા લવવા માટે વિવિધ યોજનાઓ જેવી કે ચેકડેમ, ખેત તલાવડી, બોરીબંધ તથા નદીઓનું આંતરજોડાણ જેવા કરેલ કાર્યોની ઝાંખી કરાવી હતી.
કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે કૃષિ વિકાસના ગુજરાત મોડલને સમગ્ર રાષ્ટ્રમાં અમલમાં મૂકવામાં આવી રહ્યું હોવાનું જણાવી ગુજરાત રાજયને ૧૧મી ગ્લોબલ એગ્રિકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૧૮ અંતર્ગત બેસ્ટ એગ્રિકલ્ચર સ્ટેટ એવોર્ડ તથા કૃષિ કર્મણ એવોર્ડ-૨૦૧૭-૧૮ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો હોવાની જાણકારી આપી હતી.મંત્રી શ્રી પરમારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ જ્ઞાન અને તાંત્રિકતાનો કૃષિ અને ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોથગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિબની સમાજ અને દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા કહ્યું હતું.
મંત્રીશ્રીએ કૃષિ વિકાસમાં શિક્ષણ, સંશોધન અને તકનીકીનું વિસ્તરણ એ અવિરત પ્રક્રિયા છે આમ ક્રોપ ઇવોલ્યુએશન ટુ જીન રીવોલ્યુશન સુધી પાક ઉત્ક્રાંતિના અનેક તબકકા પસાર થઇ ગયા છે તેમ જણાવી કૃષિમાં અકલ્પિત નવા વૈજ્ઞાનિક અભિગમો આવશે તેના કર્તા હર્તા આજની યુવા પેઢી છે ત્યારે આવનારા પડકારો અને તેના નિરાકરણ માટે તૈયાર રહેવા સુચવ્યું હતું.મંત્રીશ્રીએ પદવી પ્રાપ્ત કરનાર તેમજ ચંદ્રકો મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવી રાષ્ટ્રના જ નહીં પણ વિશ્વના કૃષિ વિકાસમાં ભાગીદાર બની રહેવા કહ્યું હતું.
ભારતીય કૃષિ અનુસંધાન, નવી દિલ્હીના નાયબ નિયામક ડૉ. આર. સી. અગ્રવાલે દિક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી કલ્પનાશકિત, સર્જનાત્મકતા અને નવીનીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.ડૉ. અગ્રવાલે વિદ્યાર્થીઓને જયારે આપણે આજે ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે સમાજ અને કુટુંબ પ્રત્યે આપણી જવાબદારી વધી જતી હોય છે ત્યારે આ જવાબદારીઓ અને કર્તવ્યપાલન થકી આપણે જે લક્ષ્યાંકો નિર્ધારીત કર્યા છે તે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા સુચવ્યું હતું.
ડૉ. અગ્રવાલે વિદ્યાર્થીઓને પડકારો અને મુશ્કેલીઓ એ જીવનનો એક ભાગ છે જીવનમાં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવશે પરંતુ આ પડકારો અને મુશ્કેલીઓને ઝીલી લઇ આગળ વધતા રહેવાની શીખ આપી હતી. તેમણે વધુમાં વિદ્યાર્થીઓને ખેડૂતોને શિક્ષિત કરી ખેત પધ્ધતિમાં બદલાવ લાવવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવા કહ્યું હતું.ડૉ. અગ્રવાલે વિદ્યાર્થીઓને કૃષિનું ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશમાં પણ મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવી વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જોબ સીકર ન બનતાં જોબ પ્રોવાઇડર બની રહેવાની શીખ આપી હતી.
આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૫મા વાર્ષિક વહીવટી અહેવાલ અને ખેડૂતોની આવક બમણી કરવા માટેની માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્યાસે સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીએ વિવિધસાત જેટલા નવા બિયારણોનું સંશોધન કરવાની સાથે દેશ-વિદેશની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટી સાથે કૃષિ શિક્ષણના આદાન-પ્રદાન માટે કરવામાં આવેલ એમ.ઓ.યુ.ની તેમજ કેન્દ્ર-રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતાં અનુદાનની વિગતો આપી હતી.
પદવીદાન સમારોહ દરમિયાન સંશોધન અને કૃષિ વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે બેસ્ટ કામગીરી કરનાર સર્વ શ્રી ડૉ. એન. એમ. ગોહિલ, ડૉ. પી. જી. શાહ, ડૉ. કે.ડી. પરમાર તથા ડૉ. ગીરીશભાઇ પટેલને રાજયપાલ અને કુલાધિપતિના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જીસીએમએમએફ મેનેજીંગ ડીરેકટર શ્રી આર. એસ. સોઢી, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ, પૂર્વ કુલપતિ ડૉ. એન.સી. પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, કુલસચિવ શ્રી એમ. એમ. ત્રિવેદી, બોર્ડના સભ્યો, વિવિધ ફેકલ્ટીઓના ડીનશ્રીઓ અને વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો, એકેડેમીક, રીસર્ચ, એકસટેન્શન કાઉન્સિલના પ્રાધ્યાપકશ્રીઓ, પદવીધારક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.