આજે લતા મંગેશકરનો 91મો જન્મદિન
મુંબઈ, આજે 28 સપ્ટેમ્બરના રોજ સુપ્રસિધ્ધ ગાયિકા લતા મંગેશકરનો જન્મદિન છે. બોલિવુડના સિતારાઓ આજે ટ્વિટર પર તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
‘પિતાજી જીવિત હોત તો કદાચ હું ગાયિકા ના હોત…’ આવું માનનારાં મહાન ગાયિકા લતા મંગેશકરે ઘણા સમય સુધી પિતા સામે ગાવાની હિંમત પણ નહોતી કરી. પછી તો પરિવાર સંભાળવા માટે તેમણે એટલા બધાં ગીતો ગાયાં કે, 1974થી 1991 સુધી સૌથી વધુ ગીત ગાનારાં ગાયિકા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ નોંધાયું.
લતા માને છે કે, પિતાના કારણે જ તેઓ આજે ગાયિકા છે કારણ કે, લતાને સંગીત તેમણે જ શીખવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે લતાના પિતા દીનાનાથ મંગેશકરને ઘણા સમય સુધી ખબર ન હતી કે તેમની પુત્રી ગાઈ પણ શકે છે.
લતાને તેમની સામે ગાતાં પણ ડર લાગતો હતો. તે રસોઈમાં માતાને મદદ કરતાં અને ઘરની મહિલાઓને ગીતો સંભળાવતાં. એ વખતે માતા પણ તેમને ભગાડી દેતાં કારણ કે, લતાના કારણે એ મહિલાઓનું ધ્યાનભંગ થતું હતું.
એકવાર લતાએ પિતાના શિષ્ય ચંદ્રકાંત ગોખલે રિયાઝ કરી રહ્યા હતા અને દીનાનાથ કોઈ કામ માટે બહાર ગયા હતા. પાંચ વર્ષની લતા રમી રહી હતી. પિતા નહીં હોવાથી તે અંદર ગઈ અને ત્યાં જઈને ગોખલેને કહેવા લાગી કે, તેઓ ખોટું ગાઈ રહ્યા છે. ત્યાર પછી લતાએ ગોખલેને યોગ્ય રીતે ગાઈને બતાવ્યું.
પિતા પાછા આવ્યા તો તેમણે લતા પાસે ફરી ગીત ગવડાવ્યું. લતાએ ગાયું અને ત્યાંથી ભાગી ગઈ. લતા કહે છે કે, મેં સાંભળીને જ ગાયકી શીખી, પરંતુ મારામાં એટલી હિંમત ન હતી કે, પિતા સામે કે તેમની સાથે ગાઈ શકું.ત્યાર પછી લતા અને તેમનાં બહેન મીનાએ દીનાનાથ પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું.
આ દરમિયાન લતાના નાના ભાઈ હૃદયનાથ ચાર વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું. તેમના પિતાએ પુત્રીને ભલે ગાયિકા બનતા ના જોઈ, પરંતુ લતાની સફળતાનો તેમને અંદાજ હતો. તે સારા જ્યોતિષ પણ હતા. લતાના કહેવા પ્રમાણે, તેમના પિતાએ કહી દીધું હતું કે,
તે એટલી સફળ થશે કે કોઈ તેની ઊંચાઈઓને સ્પર્શી પણ નહીં શકે. આ સાથે લતા એમ પણ માને છે કે પિતા જીવિત હોત તો હું ગાયિકા ના બની શકી હોત કારણ કે, તેઓ મને ફિલ્મોમાં ગાવાની છૂટ ના આપત!
પિતાના મૃત્યુ પછી લતાએ પરિવારની જવાબદારી સંભાળી અને બહેન મીના સાથે મુંબઈ આવીને માસ્ટર વિનાયક માટે કામ કરવા લાગી. 13 વર્ષની ઉંમરે તેમણે 1942માં ‘પહિલી મંગલાગૌર’ ફિલ્મમાં અભિનય કર્યો. કેટલીક ફિલ્મોમાં તેમણે હીરો-હિરોઈનની બહેનની ભૂમિકા કરી, પરંતુ અભિનયમાં તેમને રસ નહોતો.
બાદમાં તેમણે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે પહેલું રેકોર્ડિંગ કર્યું, પરંતુ આ ફિલ્મ અટકી ગઈ. આ દરમિયાન સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષીય લતાને સાંભળી અને તેમણે લતાની મુલાકાત એ જમાનાના સફળ ફિલ્મ નિર્માતા શશધર મુખરજી સાથે કરાવી. મુખરજીએ સ્પષ્ટ કહી દીધું કે, લતાનો અવાજ ખૂબ તીણો છે, નહીં ચાલે.
પછી ગુલામ હૈદરે જ લતાને ‘મજબૂર’ ફિલ્મમાં મુકેશ સાથે ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ ગાવાની તક આપી. આ લતાનો પહેલો બ્રેક હતો.
ત્યાર પછી લતાને અઢળક કામ મળ્યું. શશધર મુખરજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે લતાને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મોમાં કામ આપ્યું.
કારકિર્દીના સુવર્ણ કાળમાં ગીતો રેકોર્ડ કરતા પહેલાં લતા આઈસક્રીમ પણ ખાતા. આ ઉપરાંત તેઓ અથાણું, મરચા પણ ખાતાં, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય જ રહેતો. 1974માં લતા લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં પરફોર્મ કરનારાં પહેલાં ભારતીય બન્યાં. પોતાની સફર વિશે લતા કહે છે કે, શરૂઆતના દિવસોમાં રેકોર્ડિંગની રાતો મને હજુ યાદ છે.
એ વખતે દિવસે શૂટિંગ થતાં અને રાતે સ્ટુડિયો ફ્લોર પર જ સવાર સુધી રેકોર્ડિંગ થતું. વળી, એ દિવસોમાં એસીના બદલે અવાજ કરતા પંખા હતા, જેથી મુશ્કેલીનો સામનો કરવો પડતો. ‘ભારત રત્ન’ લતા મંગેશકરે 36 ભાષામાં 50 હજારથી વધુ ગીત ગાયાં છે. લતા 75 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.